રાણા કપૂરઃ બેન્કમાં ઇન્ટર્ન હતા, બેન્ક સ્થાપી બિલિયોનેર બન્યા, હવે કસ્ટડીમાં

Friday 13th March 2020 06:27 EDT
 
 

નવી દિલ્હી: યસ બેન્કના ધબડકાના રાણા કપૂરનું નામ આજે ભારતીયોમાં ઘરે ઘરે ચર્ચાઇ રહ્યું છે. એક સમયે બેન્કમાં ઇન્ટર્ન તરીકે કામ કરતા રાણા કપૂરે સમયના વહેવા સાથે પોતાની માલિકીની યસ બેન્ક સ્થાપી, સફળતાના શીખરે પહોંચાડી અને આજે આ જ યસ બેન્કે તેમને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટની કસ્ટડી ભેગા કરી દીધા છે.
રાણા કપૂર બાળપણથી જ પોતાના દાદાને કહેતા હતા કે પોતે મોટો થઇને બિઝનેસ કરશે. તેમના દાદાનો જવેલરીનો બિઝનેસ હતો જે તેમને વેચવો પડ્યો હતો. પૌત્રની વાતથી દાદાને આશા જાગતી હતી કે ખાનદાનમાં બિઝનેસની પરંપરા પરત આવશે, પણ આ એટલું સરળ નહોતું. રાણાના પિતા એર ઇન્ડિયામાં ૩૭ વર્ષ સુધી પાઇલટ હતા. ત્રણેય કાકા પણ પ્રોફેશનલ હતા. શરૂઆતમાં રાણાએ પણ આ જ રસ્તો અપનાવ્યો.
રટગર્સ યુનિવર્સિટી - ન્યૂ જર્સીથી અભ્યાસ દરમિયાન ૧૯૭૯માં અમેરિકાની સિટી બેન્કમાં ઇન્ટર્ન તરીકે જોડાયા. ત્યાંથી કેરિયરની શરૂઆત થઇ અને એ પણ આઇટી વિભાગમાં. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે ૧૯૮૦માં બેન્ક ઓફ અમેરિકામાં નોકરી શરૂ કરી. અહીં ૧૫ વર્ષ કેરિયરમાં બેન્કિંગ સંબંધિત બારીકાઇ શીખ્યા. આ પછી ૧૯૯૬થી ૧૯૯૮ સુધી તેમણે એએનઝેડ ગ્રીન્લેઝ ઇન્વેસ્ટમેન્ટ બેન્કમાં કામ કર્યું.
૧૯૯૮માં નેધરલેન્ડની રેબોબેન્કને ભારતમાં કામગીરી શરૂ કરવામાં રાણા ખૂબ મદદરૂપ બન્યા. તેઓ તેની નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીના સીઇઓ બની ગયા. રેબોબેન્કના ભારતીય સાહસમાં રાણા કપૂરની તેમના બે ભાગીદાર અશોક કપૂર અને હરકીત સિંહ સાથે ૨૫ ટકા ભાગીદારી હતી. જોકે રેબોબેન્ક ભારતમાં પોતાની આગવી ઓળખ બનાવી શકી નહોતી. નસીબના બળિયા રાણા અને તેમના સાથીઓને ૨૦૦૩માં રેબોબેન્કમાંનો પોતાનો હિસ્સો વેચવાની તક મળી. આ દરમિયાન ભારતીય રિઝર્વ બેન્કે તેમને બેન્કિંગ લાઇસન્સ પણ આપ્યું.
આ સાથે જ ૨૦૦ કરોડ રૂપિયાની મૂડીથી યસ બેન્કની શરૂઆત થઇ. પ્રથમ બ્રાન્ચ ઓગસ્ટ ૨૦૦૪માં મુંબઇમાં શરૂ થઇ. બેન્ક શરૂ થયા પછી હરકીત સિંહ અલગ થઇ ગયા જ્યારે અશોક કપૂર રાણા કપૂર સાથે જોડાયેલા રહ્યા. અશોક સંબંધમાં તેમના સાઢુ ભાઇ થતા હતા. બીજા જ વર્ષે ૨૦૦૫માં બેન્કનો આઇપીઓ પણ આવી ગયો અને તેમાંથી ૩૦૦ કરોડ રૂપિયા મળ્યા. ૨૦૦૮ સુધી રાણા અને બેન્ક સતત કમાતા રહ્યા. ૨૦૦૮થી યસ બેન્કે લોન આપવાનું પણ શરૂ કર્યું હતું.
આ પછી બેન્કને પ્રથમ ઝટકો લાગ્યો. બેન્કના તત્કાલીન ચેરમેન અને રાણાના સાથી અશોક કપૂર ૨૬-૧૧ના મુંબઇ આતંકી હુમલાનો ભોગ બની ગયા. તે સમયે તેમનો બેન્કમાં ૧૨ ટકા હિસ્સો હતો. રાણા કપૂર અશોકના પત્ની મધુને મળ્યા. મધુ અને રાણા વચ્ચે બેન્કના માલિકી હક મામલે વિવાદ શરૂ થયો. મધુ પોતાની દીકરીને બેન્કના બોર્ડમાં સ્થાન અપાવવા માગતા હતા. મધુ ૨૦૧૩માં યસ બેન્કને કોર્ટમાં ઢસડી ગયાં. બે વર્ષ કેસ ચાલ્યો. કોર્ટના હસ્તક્ષેપ બાદ ચુકાદો રાણાની તરફેણમાં આવ્યો હતો. આ વિવાદે બેન્કને બટ્ટો લગાવ્યો.
રાણાને પ્રક્રિયા કરતા વ્યક્તિગત સંબંધો પર વધુ ભરોસો હતો. આડેધડ લોન આપીને બેન્કને બરબાદીના આરે લઇ ગયા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter