લખનઉ: બિહારમાં આવેલા મુઝફ્ફરપુરનાં શેલ્ટરહોમની ૩૪ કન્યા પર બળાત્કારની ઘટનાની શાહી હજુ સુધી તો સુકાઈ પણ નથી ત્યાં તો ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં જાતીય અને શારીરિક શોષણના આરોપ વચ્ચે ગેરકાયદે ચાલતાં ‘મા વિદ્યાવાસિની બાલિકાગૃહ’માંથી ૨૪ કન્યાને પોલીસે સુરક્ષિત રીતે બચાવી લીધી હોવાનું ખૂલ્યું છે. આ બાલિકાગૃહ- શેલ્ટરહોંમમાં કુલ ૪૨ કિશોરી આશ્રય લઈ રહી હતી, તેમાંથી ૧૮ બાળિકાઓ હજુ સુધી લાપતા હોવાનું કહેવામાં આવી કહ્યું છે.
રવિવારે એક ૧૦ વર્ષની કિશોરી બાલિકાગૃહમાંથી નાસી છૂટવામાં સફળ થઈ હતી. એ પછી ભાગી છૂટેલી કિશોરીને સ્થાનિક લોકો પોલીસ પાસે લઈ ગયાં હતાં. આ બાળકીએ પોલીસને જણાવ્યું હતું કે, અમને હોમમાં નોકરની જેમ રાખવામાં આવે છે. ઢોરની જેમ કામ કરાવવામાં આવે છે. એ પછી રોજ રાત્રે લાલ, સફેદ અને કાળા રંગની કાર શેલ્ટર હોમમાં આવે છે. આ કારમાં આવતા લોકો સાથે છોકરીઓને રાત્રે મોકલી દેવામાં આવે છે. સવારે તે છોકરીઓ રડતી રડતી પાછી શેલ્ટર હોમમાં આવે છે. બાળાની વાત પરથી એ પણ જાણી શકાયું કે અહીં ગેરકાયદેસર રીતે કિશોરીઓને દત્તક પણ અાપવામાં આવે છે.
કિશોરીનાં નિવેદનનાં પરિણામે પોલીસે શેલ્ટરહોમ પર દરોડો પાડી ૨૪ કિશોરીને મુક્ત કરાવી હતી. પોલીસે શેલ્ટરહોમના સંચાલકો ગિરિજા ત્રિપાઠી, તેના પતિ મોહન ત્રિપાઠી અને તેમની દીકરીની ધરપકડ કરી સીલ મારી દીધું હતું. શેલ્ટરહોમમાંથી મુક્ત કરાવાયેલી ૨૪ કિશોરીને મેડિકલતપાસ માટે મોકલી અપાઈ છે. તેમનાં નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાના એડીજીપી આનંદકુમારે જણાવ્યું હતું કે, યોગ્ય કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.
સરકારની જાણમાં!
રાજ્યના મહિલા અને બાળવિકાસ પ્રધાન રીટા બહુગુણાએ જણાવ્યું હતું કે, દેવરિયામાં ચાલતાં આ શેલ્ટરહોમને અગાઉ સરકાર દ્વારા આર્થિક સહાય મળતી હતી, પરંતુ ૨૦૧૭માં સીબીઆઈ દ્વારા હાથ ધરાયેલી રાષ્ટ્રવ્યાપી તપાસમાં આ સંસ્થામાં ઘણી ગેરરીતિઓ માલૂમ પડી હતી. જેથી તેનું લાઇસન્સ રદ કરી દેવાયું હતું. લાઇસન્સ અને સરકારી સહાય રદ કરાયાં છતાં સંચાલકો ૪૨ કિશોરી સાથેનું શેલ્ટરહોમ ચલાવી રહ્યા હતા.
યોગીએ સર્ચ ટીમ મોકલી
રીટા બહુગુણાએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઘટનાની તપાસ માટે બે સભ્યની ઉચ્ચ સ્તરીય ટીમ મોકલી હતી અને રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે, તે ઉપરાંત દેવરિયા જિલ્લા મેજિસ્ટ્રેટ સુજિતકુમારની બદલી કરાઈ છે.
પોલીસે ૯૩૦ કિશોરી કેમ મોકલી?
માન્યતા રદ કરવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારનાર શેલ્ટરહોમની સંચાલિકા ગિરિજા ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, મેં જિલ્લાતંત્રને અમારાં પડતર બિલની ચકવણી કરવા જણાવતાં મારી ધરપકડ કરાઈ છે. અમારાં શેલ્ટરહોમમાં કોઈ ખોટું કામ થઈ રહ્યું નથી. જો અમે ગેરકાયદેસર શેલ્ટરહોમ ચલાવીએ છીએ તો છેલ્લા એક વર્ષમાં પોલીસે શા માટે અમારાં હોમમાં ૯૩૦ કરતાં વધુ કિશોરીને અમારે ત્યાં મોકલી હતી?
વધુ શેલ્ટરહોમની શક્યતા
મુઝફ્ફરપુર બાલિકા ગૃહમાં બાળકીઓના યૌનશોષણ અને દેવરિયાના શેલ્ટરહોમમાં કિશોરીઓને દેહવ્યાપારમાં ધકેલાતી હોવાની વિગતો બહાર આવ્યા પછી કેન્દ્રીય મહિલા અને બાળકલ્યાણ પ્રધાન મેનકા ગાંધીએ કહ્યું હતું કે, દેશમાં આવી અનેક સંસ્થાઓ હોઈ શકે છે જેની તપાસ કરાશે. આ સમસ્યાનો સામનો કરવા એક-એક હજાર બાળકોની ક્ષમતા ધરાવતાં મોટાં શેલ્ટરહોમ ઊભાં કરીને ત્યાં માત્ર મહિલા કર્મચારીઓને તહેનાત કરવાનું સૂચન કરતાં કહ્યું હતું કે વર્ષોથી આ શેલ્ટરહોમ તરફ ધ્યાન નથી અપાયું. બે વર્ષથી સાંસદોએ અહેવાલ પણ નથી મોકલ્યા.


