નવી દિલ્હીઃ રાફેલ સોદા મુદ્દે કોંગ્રેસ અને મોદી સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ હવે આ વિવાદ કોંગ્રેસ અને બિઝનેસમેન અનિલ અંબાણીએ વચ્ચે વકરે તેમ લાગી રહ્યું છે. અનિલ અંબાણીએ અગાઉ આ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને બે પત્ર પણ લખ્યા હતા. હવે તેમણે કોંગ્રેસ પ્રવક્તા જયવીર શેરગિલને લીગલ નોટિસ પણ મોકલી છે. આ નોટિસમાં અનિલ અંબાણીએ કહ્યું છે કે, કોંગ્રેસ પ્રવક્તા કોઈ પણ પુરાવા વગર આરોપ ન લગાવી શકે. માત્ર તે જ બોલે છે જેના તેમની પાસે પુરાવા છે. અંબાણીએ ચેતવણી આપી છે કે કોંગ્રેસ પાર્ટી અથવા તેમના પ્રવક્તા કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ના ફેલાવો.
નોટિસમાં અનિલ અંબાણીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના રણદીપ સુરજેવાલા, અશોક ચૌહાણ, સંજય નિરુપમ, અભિષેક મનુ સિંઘવી અને અન્ય નેતાઓ સાથે તેમના અને તેમની કંપની પર ખોટા આરોપો લગાવી રહ્યા છે. હવે ગ્રૂપ દ્વારા આ તમામ લોકો સામે કોર્ટમાં કેસ કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસે રાફેલ મામલે સમગ્ર દેશમાં આંદોલન કરવાનો નિર્ણય લીધો છે.