રાફેલને હથિયાર બનાવી મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધી

Tuesday 25th September 2018 13:17 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતના ફ્રાન્સ સાથે રૂ. ૫૮ હજાર કરોડના રાફેલ સોદા અંગે ફ્રાન્સના પૂર્વ પ્રમુખ ફ્રાંસવા ઓલાંદે એક ઇન્ટરવ્યૂમાં રાફેલ સોદા અંગે વાતચીતમાં ભારત સરકારે ફ્રાન્સના અધિકારીઓને રિલાયન્સ ડિફેન્સનું નામ પ્રસ્તાવિત કર્યું હોવાનો દાવો તે વખતે ઓલાંદનો ઇન્ટરવ્યૂ લેનારા પત્રકારે ‘ઈન્ડિયા ટુડે’ ટીવી સાથેની વાતચીતમાં જણાવતાં રાફેલ મુદ્દે ખેલાતા રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલને જ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે હથિયાર બનાવી મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ પણ કેગ સમક્ષ જઈને રજૂઆત કરી છે. તો બીજી તરફ ભાજપ આ સોદો યુપીએ સરકારને નેજામાં જ થયો હોવા સાથે કોંગ્રેસને સણસણતા જવાબ વાળે છે.

દેશ કા ચોકીદાર ચોર

રાહુલ ગાંધીએ ૨૦મીએ રાજસ્થાનના ડુંગરપુરમાં સાગવાડાના ભીખા ભાઇ મેદાનમાં જાહેર સભાને સંબોધી હતી ત્યાં પણ રાફેલ મુદ્દે કહ્યું કે, વિમાનનો કોન્ટ્રાક્ટ સરકારી કંપની એચએએલને ન આપવાના સંદર્ભમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન જૂઠ બોલી રહ્યાં છે અને તેમણે રાજીનામું આપી દેવું જોઇએ. એચએએલના પૂર્વ વડા ટી એસ રાજુએ એચએેએલ પાસે રાફેલ વિમાનનું નિર્માણ કરવાની ક્ષમતા ન હોવાની સીતારમનની દલીલ ફગાવી દીધી હતી. એચએએલના પૂર્વ વડાના નિવેદનથી સાબિત થાય છે કે દેશના સંરક્ષણ પ્રધાન જૂઠ બોલી રહ્યાં છે. એ પછી પણ ૨૩મીએ આ મુદ્દે રાહુલે મોદીને ‘કમાન્ડર ઓફ થીફ’ ‘ચોરોના સરદાર’ કહીને તેમની શકમંદ ભૂમિકા સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે રાફેલ સોદાની જેપીસી તપાસની માગ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રાફેલ મુદ્દે સીવીસી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી અને સોદાને લગતા તમામ દસ્તાવેજો જપ્ત કરીને કસૂરવાર લોકો સામે એફઆઈઆરની માગ પણ કરી છે.

રાહુલનો વીડિયો

રાહુલ ગાંધીએ સોમવારે વીડિયો ટ્વિટ કરીને રાફેલ સોદા અંગે સમજ આપી હતી. વીડિયોમાં એક વ્યક્તિ એવું કહી રહી છે કે ભારત સરકારે અનિલ અંબાણીની કંપનીનું નામ સૂચવ્યું હતું અને તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો. ૩૦ ઓગસ્ટના અહેવાલોને ટાંકતાં રાહુલે બીજી ટ્વિટમાં લખ્યું હતું કે, જુઓ આ વૈશ્વિક ભ્રષ્ટાચાર. સાચે જ રાફેલ વિમાન ઘણું ઝડપથી અને ઘણું દૂર ઊડે છે. આવનારા દિવસોમાં તે બંકર્સને તબાહ કરનારા બોમ્બ ઝીંકી શકે છે. મોદીજી કૃપયા અનિલ કો બતાયેં કી ફ્રાન્સમેં બડી દિક્કત હૈ. આ ઉપરાંત રાહુલે કહ્યું હતું કે હું નહીં, પણ રાફેળ મુદ્દે ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદ પણ મોદીને ચોર ઠેરવી રહ્યા છે.

ફ્રાન્સના મીડિયાનો દાવો

ફ્રેન્ચ વેબસાઈટ મીડિયાપાર્ટે ૨૧મીએ ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ફ્રાંસવા ઓલાંદના હવાલાથી દાવો કર્યો હતો કે રાફેલ સોદા માટે ભારતે માત્ર અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સનું નામ જ આપ્યું હતું. ઓલાંદને ટાંકીને લખ્યું છે કે, ‘અમારા હાથમાં કશું હતું નહીં. ભારત સરકારે આ સર્વિસ ગ્રૂપનું નામ ઓફર કર્યું હતું અને ડૈશોએ (અનિલ) અંબાણી ગ્રૂપ સાથે વાતચીત કરી હતી. અમારી પાસે વિકલ્પ નહોતો. અમે એ જ પાર્ટનરની પસંદગી કરી જે અમને અપાયો હતો. ભારતનું એ કહેવું ખોટું છે કે ભારતીય અને ફ્રાન્સ સરકાર દસો એવિએશન અને રિલાયન્સ ડિફેન્સની વચ્ચે થયેલા સોદામાં સામેલ ન હતી. ઓલાંદનો ઇન્ટરવ્યૂ લેનારા પત્રકાર એન્ટન રોગટે કહ્યું કે ઓલાંદે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ભારત સરકારે ફ્રાન્સના અધિકારીઓને રિલાયન્સ ડિફેન્સનું નામ પ્રસ્તાવિત કર્યું હતું. આ સાથે જ રાફેલ વિમાનના સોદા અંગે ઓલાંદનાં નિવેદન અંગે ફ્રાન્સના વિદેશ મંત્રાલયે ટિપ્પણી કરી છે. ફ્રાન્સના જુનિયર વિદેશ પ્રધાન જ્યાં બેપ્ટિસ્ટ લેમોનેએ કહ્યું છે કે ઓલાંદના નિવેદનથી ફ્રાન્સને કોઈ ફાયદો થવાનો નથી. તેઓ દેશની કોઈ સેવા નથી કરી રહ્યાં. જોકે ઓલાંદના નિવેદન બાદ કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે, માજી રાષ્ટ્રપ્રમુખ એ પણ જણાવી દે કે જે રાફેલ વિમાનની કિંમત ૨૦૧૨માં રૂ. ૫૯૦ કરોડ હતી તે ૨૦૧૫માં રૂ. ૧૬૯૦ કરોડ કેવી રીતે થઈ ગઈ? ઉલ્લેખનીય છે કે મોદીએ ૧૦ એપ્રિલ ૨૦૧૫ના રોજ ઓલાંદ સાથે બેઠક કર્યા બાદ ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ વિમાન ખરીદવાની જાહેરાત કરી હતી.

મોદી સરકાર ભીંસમાં

મોદી સરકાર અત્યાર સુધી એવો દાવો કરતી હતી કે રિલાયન્સ અને ડૈશો વચ્ચેની ઓફસેટ પાર્ટનરશિપમાં ભારત અને ફ્રાન્સની સરકારોની કોઈ ભૂમિકા રહેવા પામી નથી. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે સરકાર આ અહેવાલની સત્યતાને ચકાસી રહી છે. ઉલ્લેખનીય છે કે રાફેલ માટે યુપીએ સરકારના ગાળામાં થયેલી વાતચીતમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરવાની હતી, પરંતુ મોદી સરકાર આવ્યા બાદ અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝની ડૈશોના ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરાઈ હતી. આમ, ઓલાંદનું નિવેદન આ મુદ્દે મીડિયામાં આવ્યા બાદ રાહુલે ઓલાંદનો આભાર પણ માન્યો છે.

ઓલાંદનો આભાર માન્યો 

રાહુલે જણાવ્યું કે, વડા પ્રધાને બંધ દરવાજા પાછળ સોદાબાજી કરીને અંગત રીતે રાફેલ સોદો બદલ્યો છે. ફ્રાન્સુઆ ઓલાંદનો આભાર. હવે અમને ખ્યાલ આવી ગયો કે દેવાળિયા થઈ ચૂકેલા અનિલ અંબાણીને ખાનગી રીતે અબજો ડોલરના સોદાની ભેટ કરાઈ. વડા પ્રધાને દેશ સાથે દગો કર્યો છે. તેમણે આપણા સૈનિકોના લોહીનું અપમાન કર્યું છે.

એચએએલ રાફેલ બનાવવા સક્ષમ

આ અંગે એચએએલના માજી વડા ટી સુવર્ણા રાજુના નિવેદને પણ આગમાં ઘીનું કામ કર્યું તેમણે કહ્યું હતું કે, એચએએલ યુદ્ધ વિમાન બનાવી શકે છે. સંરક્ષણ પ્રધાન નિર્મલાએ કહ્યું હતું કે સરકારી કંપની આ વિમાન બનાવવા ટેકનિકલ રીતે સક્ષમ નથી. રાજુનું કહેવું હતું કે ફ્રાન્સની કંપનીને વિમાનનો કોન્ટ્રાક્ટ એટલા માટે અપાયો હતો કે તે સસ્તામાં બનાવી આપે. રાહુલે એ પછી નિર્મલા સીતારમણ પર પણ આકરા પ્રહારો કરતાં જવાબમાં ભાજપી કેન્દ્રીય પ્રધાનોએ રાહુલને સણસણતા જવાબ આપ્યા હતા.

૨૦૧૨માં રિલાયન્સની પસંદગી

ભારત સંરક્ષણ મંત્રાલયે પણ આ મુદ્દે પ્રકાશ પાડતાં કહ્યું કે, ફેબ્રુઆરી ૨૦૧૨ના અહેવાલ સંકેત આપે છે કે યુપીએ સરકાર સમયે રાફેલની પસંદગી બાદ બે જ હપ્તામાં ડૈશોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ભાગીદારી કરી હતી. ભારતીય પાર્ટનરની પસંદગીમાં સરકાર કોઈ પણ રીતે સામેલ નથી. ફ્રાન્સની કંપની સંપૂર્ણપણે મુક્ત હતી કે જેને ઉચિત સમજે તેને પાર્ટનર તરીકે પસંદ કરે. ત્યાર બાદ ઓફસેટ પ્રોજેક્ટ મંજૂરી માટે ભારત સરકારને મોકલવામાં આવે છે. આ મુદ્દે ડૈશો એવિએયેનનું કહેવું છે કે ઓફસેટ સમજૂતીમાં અમે રિલાયન્સ ડિફેન્સને ભાગીદાર ગણાવ્યા છે. આ સંરક્ષણ ખરીદ પ્રક્રિયા ૨૦૧૬ અને મેક ઇન ઇન્ડિયા નીતિ હેઠળ થઈ છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં એક સંયુક્ત સાહસ તરીકે ડૈશો રિલાયન્સ એરો સ્પેસ લિમિટેડ બની. ફાલ્કન અને રાફેલ વિમાનોના સ્પેરપાર્ટ્સ બનાવવા માટે નાગપુરમાં એક પ્લાન્ટ સ્થાપ્યો છે. ડાયનેટિક, મહિન્દ્રા જેવી અનેક કંપનીઓ સાથે અમારી ભાગીદારી છે.

રાહુલ ખુદ કૌભાંડી

કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, આઝાદ ભારતના ઇતિહાસમાં કોઇ પક્ષપ્રમુખે દેશના વડા પ્રધાન માટે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો નથી. વડા પ્રધાનને ચોર કહેનાર રાહુલ ખુદ ભ્રષ્ટાચાર, જમીન અને નેશનલ હેરાલ્ડ શેર કૌભાંડના આરોપી છે. ભ્રષ્ટાચારમાં ડૂબેલો ગાંધી પરિવાર જ દેશમાં ભ્રષ્ટાચારનો જનક છે. અમે રાહુલ ગાંધી પાસેથી બીજી કોઇ અપેક્ષા રાખતાં નથી. તેમનામાં કોઇ ગુણ કે ક્ષમતા નથી. તેઓ તેમના પરિવારને કારણે કોંગ્રેસના પ્રમુખ બન્યા છે. રાફેલની કિંમત જાણીને રાહુલ ગાંધી પાકિસ્તાનની મદદ કરવા માગે છે. રાહુલે ઇમાનદારીના પ્રતીક એવા મોદીને ચોર કહ્યા છે. યુપીએ સરકારે ૧૦ વર્ષ સુધી લાંચ ન મળવાને કારણે રાફેલ સોદો લટકાવી અંતે રદ કરી દીધો હતો. મોદી સરકારે ભ્રષ્ટાચાર અને વચેટિયાઓ વચ્ચેના દરવાજા બંધ કર્યા. રાહુલને તે જ પેટમાં દુઃખે છે. તેમણે કહ્યું કે રાફેલે લાંચ આપી નહીં એટલે યુપીએ સરકારમાં સોદાને અંતિમ સ્વરૂપ અપાયું નહોતું. કંપની પર દબાણ હતું. તો ગૃહ પ્રધાન રાજનાથસિંહે પણ કહ્યું કે કોઈ પણ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરતા પહેલાં રાહુલે ઓછામાં ઓછું ચાર વાર વિચારવું જોઈએ.

રફાલ સોદો રદ નહીં થાય

ઓલાંદના નિવેદન પછી નાણા પ્રધાન અરુણ જેટલીએ એનએનઆઈ સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, રફાલ વિમાનો ખરીદવા પારદર્શક સોદો થયો હતો એટલે તેને રદ કરવાનો કોઈ સવાલ જ નથી. જો રફાલ વિમાનોની કિંમત વધુ કે ઓછી હોવાનો મુદ્દો હોય તો એ બધા જ આંકડા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ સામે છે. ફ્રાન્સ અને ભારત વચ્ચે ગુપ્ત સોદો યુપીએ સરકારના કાર્યકાળમાં થયો હતો અને એ સોદા પર પૂર્વ સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટનીના હસ્તાક્ષર પણ છે. જેટલીએ ઓલાંદે કરેલા નિવેદનના ટાઇમિંગ મુદ્દે પણ સવાલ ઊઠાવતાં કહ્યું કે, મને આશ્ચર્ય થાય છે કે, ૩૦મી ઓગસ્ટે રાહુલ ગાંધીએ ટ્વિટ કરી હતી કે, રાફેલ સોદા અંગે ફ્રાન્સમાં બોમ્બ ફૂટવાનો છે. આ સોદા વિશે ઓલાંદ કંઈ બોલવાના છે એ વાત રાહુલ ગાંધીને કેવી રીતે ખબર પડી? અમારી પાસે ઓલાંદ અને રાહુલ ગાંધીની જુગલબંદીના કોઈ પુરાવા નથી, પરંતુ તેમની ટ્વિટથી શંકાકુશંકા પ્રવર્તી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter