રામ અને કૃષ્ણની જન્મભૂમિમાં સૌથી વધુ નાસ્તિકોઃ સર્વે

Wednesday 02nd September 2015 08:26 EDT
 

નવી દિલ્હીઃ ભારતમાં થયેલી વસ્તીગણતરીના ધર્મ આધારિત આંકડા પ્રમાણે ૨૮.૭ લાખ લોકો એટલે કે દેશની વસ્તીના ૦.૨૪ ટકા લોકો કોઈ પણ ધર્મમાં માનતાં નથી. તેઓ નાસ્તિક છે. આખા દેશમાં ઉત્તર પ્રદેશ એવું રાજ્ય છે જ્યાં દેશના સૌથી વધારે નાસ્તિક લોકો રહે છે. રામ અને કૃષ્ણનું જન્મસ્થળ ગણાતાં તથા બાબરી મસ્જિદ ધરાવતાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે લોકો ધર્મમાં માનતાં નથી.
રાષ્ટ્રીય સ્તરે થયેલી ગણતરી પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ૫.૮૨ લાખ લોકો કોઈ પણ ધર્મમાં માનતાં નથી. આ રાજ્ય ઉપરાંત બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને તામિલનાડુમાં પણ એક-એક લાખ લોકો એવા છે જે નાસ્તિક છે. તેમને કોઈ પણ ધર્મ પર વિશ્વાસ નથી.
દક્ષિણનાં રાજ્યોમાં નાસ્તિકતાનું પ્રમાણ વધુ છે. નાસ્તિકતા અને તર્કવાદનાં આંદોલનોએ વધારે અસર કરી છે. નાસ્તિકતાનાં આંદોલનો સૌથી વધારે તામિલનાડુમાં થયાં છે. ધર્મનાં નામે સૌથી વધારે તોફાનો અને રમખાણો રામજન્મભૂમિ તથા બાબરી મસ્જિદ ધરાવતા ઉત્તર પ્રદેશમાં થયા છે, આ જ રાજ્યમાં નાસ્તિકોની સંખ્યા પણ વધારે છે.

• આમઆદમી પાર્ટી દ્વારા પંજાબનાં બે સાંસદો ધર્મવીર ગાંધી અને હરિન્દર સિંહ ખાલસાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષવિરોધી પ્રવૃતિ કરવા માટે પગલું લેવાયું છે. ગાંધી પતિયાલામાંથી અને ખાલસા ફત્તેહગઢ સાહેબ ખાતેથી ચૂંટાયા હતા. પંજાબની રાજકીય બાબતોની સમિતિએ બંને સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. વધુ કાર્યવાહી માટે આ મામલો રાષ્ટ્રીય શિસ્ત પગલાં સમિતિને સોંપાયો છે. સમિતિનાં ત્રણ સભ્યો પંકજ ગુપ્તા, દિલીપ પાંડે તેમજ દીપક વાજપેયી હવે તેમની સામે પગલાં લેશે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આમઆદમી પાર્ટીનાં ચાર સાંસદો ચૂંટાયા હતા.

• અંડરવર્લ્ડ ડોન દાઉ ઈબ્રાહીમની વિદેશમાં પ્રોપર્ટીની તપાસ કરનાર ગુપ્તચર સંસ્થાઓને ચોંકાવનારી માહિતી મળી છે. દાઉદ આજકાલ આફ્રિકામાં બ્લડ ડાયમંડ બિઝનેસમાં સક્રિય બન્યો છે. દાઉદની સંપત્તિ અને મિલ્કતો જપ્ત કરવા તેમ જ તેનાં કારોબાર પર ત્રાટકવાં ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દૌવાલ દ્વારા દેશની ગુપ્તચર એજન્સીઓને કામ લગાવવામાં આવી છે. તે કયા બિઝનેસમાં હીત ધરાવે છે તેની તપાસ કરાઈ રહી છે. તે રીયલ એસ્ટેટ, મની લોન્ડરિંગ, હવાલા અને સટ્ટા બેટિંગ તેમ જ બનાવટી નોટો જેવા ગેરકાયદે બિઝનેસમાં સૌથી વધુ રસ ધરાવે છે તે જગજાહેર છે.

• દેશની જનતા સાથે સીધો સંવાદ કરવાના પ્રયાસરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૧૧મી વાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. જમીન સંપાદન ખરડા સામે વિપક્ષના ઉગ્ર વિરોધનો સામનો કરી રહેલા વડા પ્રધાન મોદીએ મન કી બાતમાં જાહેરાત કરી હતી કે સરકાર સોમવારે રદ થઇ રહેલો જમીન સંપાદન વટહુકમ ફરીવાર જારી નહીં કરે. સરકાર ખેડૂતોના લાભકારી સૂચનો સ્વીકારવા તૈયાર છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે અમે કાયદા અંગે ફેલાવાતી ખોટી માહિતીથી ગેરમાર્ગે દોરાઇ રહેલા ખેડૂતોના હિતમાં જમીન સંપાદન કાયદામાં સુધારો કરવા તૈયાર છીએ. મેં જમીન સંપાદન વટહુકમ રદ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ખેડૂતોને લાભ થાય તેવી ૧૩ જોગવાઇઓનો જમીન સંપાદન કાયદામાં સમાવેશ કરી લેવાશે.

• બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ૩૦ ઓગસ્ટે જદયુ, રાજદ, કોગ્રેસ અને સપાના મહાગઠબંધનના સંયુક્ત પ્રચાર અભિયાનનો પ્રારંભ કરતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, જદયુના વરિષ્ઠ નેતા અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમાર અને રાજદના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરાં પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, મોદીએ અત્યાર સુધી શો બાજી જ કરી છે. તેના સિવાય વડા પ્રધાને અત્યાર સુધી કશું કર્યું જ નથી. નરેન્દ્ર મોદીની ૫૬ ઇંચની છાતી ખોખલી અને માત્ર દેખાડો છે.

• શીખ વિરોધી રમખાણોના સંદર્ભમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલા માનવઅધિકાર ઉલ્લંઘનના કેસને રદ કરતાં જિલ્લા અદાલતના ચુકાદાને અમેરિકાની અપીલ કોર્ટે મંજૂરી આપી છે. અપીલ કોર્ટે જણાવ્યું હતું કે, પિટિશનમાં કોઇ જ પ્રકારનો આધાર નથી. સેકન્ડ સર્કિટ માટેની યુએસ કોર્ટ ઓફ અપીલની ત્રણ જજની બેન્ચે ચુકાદામાં જણાવ્યું હતું કે શીખ ફોર જસ્ટિસ સંગઠન દ્વારા સોનિયા ગાંધી વિરુદ્ધના કેસમાં કરાયેલી દલીલોમાં કોઇ આધાર નથી.

• કેન્દ્રીય કેબિનેટે નાનકડા ટાપુ દેશ સેશેલ્સ સાથે એર સર્વિસિઝ એગ્રીમેન્ટ (એએસએ) પર હસ્તાક્ષરને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ ભારત-સેશેલ્સ વચ્ચે હવે દર સપ્તાહે ત્રણને બદલે સાત ફ્લાઇટ ઊડાન ભરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગત સપ્તાહે ભારત અને સેશેલ્સ વચ્ચેના એએસએને મંજૂરી આપી દેવાઈ હતી. અગાઉ ૩૦ ઓક્ટોબર, ૧૯૭૮ના રોજ બન્ને દેશો વચ્ચે કરાર થયા હતા, જેમાં સુધારો કરવામાં આવ્યો છે. બન્ને દેશો વચ્ચે નાગરિક ઉડ્ડયન મામલે આ મહત્ત્વનો નિર્ણય છે.

• ભારતને છેલ્લા એક મહિનામાં નાવેદ પછી પાકિસ્તાનનો બીજો ત્રાસવાદી જીવતો પકડવામાં સફળતા મળી છે. ગત સપ્તાહે કાશ્મીરના બારામુલ્લામાંથી સુરક્ષાદળો સાથેનાં એન્કાઉન્ટરમાં આ ત્રાસવાદીને જીવતો પકડવામાં આવ્યો હતો. આ અગાઉ ૩ ઓગસ્ટે પાક.નો ત્રાસવાદી નાવેદ ઉર્ફે ઉસ્માન જીવતો પકડાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter