લખનઉઃ અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી કેસમાં ફૈજાબાદની એન્ટી કરપ્શન કોર્ટમાં સ્થાનિક વકીલોના હોબાળા વચ્ચે ચાર્જશીટ દાખલ કરાયુ હતું. વકીલોએ માગ કરી હતી કે અદાલત ચાર્જશીટને ધ્યાનમાં લે તે પહેલા તેમના વાંધાઓને પણ સાંભળવામાં આવે. 7000 કરતાં પણ વધારે પાના ધરાવતી ચાર્જશીટમાં આઠ આરોપીઓના નામ સામેલ છે પરંતુ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું નામ ચાર્જશીટમાં સામેલ નથી. અહેવાલો અનુસાર તપાસ કરનારા અધિકારી જેમણે અદાલત સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી તેઓ ગયા બુધવારે મોટા બોક્સ સાથે કોર્ટ પહોંચ્યા હતા આ બોક્સમાં બેન્ક સ્ટેટમેન્ટ્સ અને બેન્કની ડિપોઝિટ સ્લિપો પણ સામેલ હતી. ચાર્જશીટ દાખલ થવા અંગેની માહિતી મળતાં જ સ્થાનિક વકીલોએ વિરોધ-પ્રદર્શન શરૂ કર્યા હતા અને માગ કરી હતી કે ચાર્જશીટને કોર્ટ ધ્યાનમાં લે તે પહેલા તેમના વાંધાઓને સાંભળવામાં આવે. વકીલો આરોપનામામાં ચંપત રાય તેમજ ટ્રસ્ટના કેટલાક અન્ય પ્રમુખ લોકોના નામ સામેલ નહીં હોવાનો વિરોધ કરી રહ્યા હતા.
આ પહેલા વકીલોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને રાય અને અન્યો સામે એફઆઈઆર દાખલ કરવાની માગ કરી હતી. અહેવાલો અનુસાર જિલ્લા જજ સાથે મુલાકાત બાદ વકીલોએ પોતાનો વિરોધ રોક્યો હતો અને પોતાના કામે પરત ફર્યા હતા. ચાર્જશીટમાં 173 સાક્ષીઓના નિવેદનો તેમજ ચોરીના 105 બનાવોનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ તેમાં 79.85 લાખ રોકડા, કાર અને દાગીનાની રિકવરીનો પણ ઉલ્લેખ કરાયેલો છે.


