નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં ચુકાદો આપતાં વિવાદિત જમીન પર રામ મંદિર નિર્માણનો આદેશ આપ્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, બાબરી મસ્જિદનું નિર્માણ કોઈ ખાલી જગ્યા પર કરાયું ન હતું અને વિવાદિત જમીનની નીચે એક માળખું હતું, જે ઇસ્લામિક માળખું ન હતું. જોકે કોર્ટે પોતાના ચુકાદામાં બાબરી મસ્જિદ ધ્વંસને કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેન્ચે શનિવારે અયોધ્યા કેસમાં ચુકાદો આપતા કહ્યું કે, બાબરી મસ્જિદને નુકસાન કરવું એ કાયદાનું ઉલ્લંઘન હતું. કોર્ટે કહ્યું કે, ૧૯૩૪માં મસ્જિદને નુકસાન પહોંચાડવું, ૧૯૪૯માં અપવિત્ર કરવું અને ૧૯૯૨માં મસ્જિદનો ધ્વંસ કરવો એ કાયદાનું ઉલ્લંઘન હતું. મતલબ કે ૬ ડિસેમ્બર ૧૯૯૨માં મસ્જિદ ધ્વંસને સુપ્રીમ કોર્ટે પણ કાયદાનો ભંગ માન્યો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે વિધ્વંસ કેસમાં જે નેતાઓની સામે ટ્રાયલ ચાલી રહી છે, તેને અયોધ્યા કેસ અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કોઈ રાહત મળે એવા સંકેત નથી.
કોણ કોણ આરોપી?
છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે બાબરી મસ્જિદનું માળખું તોડી પડાયું હતું. મોટી સંખ્યામાં કારસેવક અયોધ્યા પહોંચ્યા હતા, સાથે જ ભાજપ અને કેટલાય હિન્દુવાદી સંગઠનોના નેતા પણ ત્યાં પહોંચ્યા હતા. બાબરી વિધ્વંસના આરોપીઓમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત ૧૩ નેતાઓની વિરુદ્ધ કેસ દાખલ કરાયો હતો. આ ઘટના સાથે જોડાયેલા કેસ નં. ૧૯૮માં પોલીસ અધિકારી ગંગાપ્રસાદ તિવારીએ રામકથા કુંજ સભામંચ પરથી મુસ્લિમ સમુદાયની વિરુદ્ધ ધાર્મિક ઉન્માદ ભડકાવતું ભાષણ આપીને બાબરી મસ્જિદ તોડી પડાવવાનો કેસ નોંધ્યો હતો.
આ કેસમાં લાલકૃષ્ણ અડવાણી ઉપરાંત મુરલી મનોહર જોશી, અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, વિનય કટિયાર, ઉમા ભારતી, વિષ્ણુ હરિ ડાલમિયા અને સાધ્વી ઋતુંભરા જેવા મોટા નેતા સામેલ છે. આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે અને ટ્રાયલ ચાલી રહી છે. હવે જોવાનું એ રહે કે આ કેસમાં ક્યારે ચુકાદો આવે છે.


