અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેની તૈયારી શરૂ થઈ ચૂકી છે. શિલાન્યાસ થયે પાંચ મહિના વીતી ગયા છતાં સામે આવી રહેલી તકનિકી મુશ્કેલીઓને કારણે હજી સુધી મંદિરનો પાયો પણ નાંખી શકાયો નથી. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું કે, મંદિર ચણતર સ્થળે જમીન રેતાળ અને પોચી છે. તેથી પિલર્સ પર રામ મંદિર નિર્માણ કરવાના પરીક્ષણને સફળતા ન મળતાં નવો પ્લાન તૈયાર કરાયો છે. શ્રીરામ જન્મભૂમિ સંકુલમાં રામ મંદિર નિર્માણ માટે હવે પિલર્સ નહીં બને, પણ ખોદકામ કરીને પથ્થરોથી પાયો ચણવાની સંમતિ સધાઈ છે.

