રામ મંદિરનું નિર્માણ થશે ત્યારે સોનાની ઇંટ આપીશઃ બાબર વંશજ યાકુબ તુસી

Thursday 14th November 2019 15:19 EST
 
 

અમદાવાદઃ મોગલ બાદશાહ બાબરના આખરી વંશજ પ્રિન્સ યાકુબ હબીબુદ્દીન તુસીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે. ચુકાદા બાદ તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે રામ મંદિર સાથે કરોડો હિંદુઓની આસ્થા જોડાયેલી છે ત્યારે આ ઐતિહાસિક ચુકાદાને દેશના મુસ્લિમોએ સર્વમાન્ય ગણીને માથે ચડાવી શાંતિ-સૌહાર્દ અને ભાઇચારાનો સંદેશો આપવો જોઇએ. આયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થશે ત્યારે હું સોનાની ઇંટ દાનમાં આપીશ.
મોગલ બાદશાહ બાબરના વંશજ પ્રિન્સ યાકુબ તુસીએ એ વાતનો ઉલ્લેખ કર્યો કે, બાબરને આક્રમણખોર તરીકે ચીતરવામાં આવે છે તે સદંતર ખોટું છે. તેઓ કયારેય તેમના શાસન વખતમાં અયોધ્યા ગયા જ નથી. બાબર એ બિનસાંપ્રદાયિક મોગલ બાદશાહ હતાં. તેમના શાસનમાં ભારતીય સાંસ્કૃતિક વિરાસત જળવાઇ રહી, મુસ્લિમ આવક પણ સૌથી વધુ રહી હતી. તેઓ એવું માનતાં હતાં કે, શાંતિ-ભાઇચારાનો માહોલ બની રહે.
તેમણે કહ્યું હતું કે ઘણાંને કદાચ એ વાતની ખબર નહીં હોય કે ‘બાબરનામા’માં ઉલ્લેખ છે કે, અયોધ્યામાં સેનાપતિ મીર બાકીએ હુમલો કરીને રામ મંદિર તોડી નાંખ્યું હતું જેના કારણે બાબરને ખુબ જ દુઃખ થયું હતું કેમ કે, બાબરના શાસનમાં આ એક કલંકસમાન ઘટના બની હતી. વર્ષો બાદ પણ આ કલંક યથાવત્ રહ્યું છે, પણ આજે જ્યારે સુપ્રીમ કોર્ટનો રામ મંદિર સંદર્ભે ચુકાદો જાહેર થયો છે ત્યારે ખરેખર અમારા પૂર્વજ બાબર પરથી જ નહીં, પરંતુ અમારી પેઢી પરથી કલંક દૂર થયું છે.
મુસ્લિમોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને માથે ચડાવીને વિઘટનકારીઓની ભડકાઉ વાતોથી દૂર રહેવું જોઇએ તેવી પ્રતિક્રિયા આપતાં તુસીએ વધુમાં જણાવ્યું કે, રમઝાન હોય છે ત્યારે રોઝા ઇફતારીમાં હિંદુ લોકો આવીને ભાઇચારાનો સંદેશો આપે છે. આ જ રીતે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ભવ્ય નિર્માણ થાય ત્યારે મુસ્લિમોએ પણ ખાસ ઉપસ્થિત કહીને દુનિયાભરમાં એ સંદેશો આપવો જોઇએ કે ભારત કોઇ તોડી શકશે નહીં. કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર આયોધ્યા છે ત્યારે જે વખતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થશે ત્યારે હું સોનાની ઇંટ દાનમાં આપીશ. હિંદુ-મુસ્લિમોની એકતા જ આ ભારતને વધુ મજબૂત રાષ્ટ્ર બનાવશે.
આમ, બાબરના આખરી વંશજે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારીને શાંતિની અપીલ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter