રામ રતન ધન પાયો...! રામ મંદિર માટે રૂ. ૫૦૦૦ કરોડથી વધુ સમર્પણ નિધિ એકત્ર

Saturday 08th January 2022 08:01 EST
 

અયોધ્યાઃ શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના પાયાના બીજા તબક્કા અંતર્ગત રાફ્ટનું કાસ્ટિંગ ૯૦ ટકા પુરું થઇ ચૂક્યું છે. એપ્રિલ, ૨૦૨૦માં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું બેન્ક ખાતું ખૂલતાં જ મંદિર નિર્માણ માટે ભક્તોએ સમર્પણ નિધિ આપવાનું શરૂ કરી દીધું હતું. પરિણામ એ છે કે દોઢ વર્ષમાં ૫ હજાર કરોડ રૂપિયાથી વધુ સમર્પણ નિધિ મળી છે. જેમાં પૂ. મોરારિબાપુ અને તેમના અનુયાયીઓએ સૌથી વધુ ૧૧ કરોડ રૂપિયા આપ્યા છે તો પટણાનું મહાવીર ટ્રસ્ટ પણ અત્યાર સુધીમાં ૪ કરોડ રૂપિયા આપી ચૂક્યું છે.
બેન્ક એકાઉન્ટ ખૂલ્યા બાદ ટ્રસ્ટે દાન માટે ભક્તોને જાહેરાતો અને સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી. આ ઉપરાંત વીતેલા વર્ષ દરમિયાન ૧૫ જાન્યુઆરીથી ૨૭ ફેબ્રુઆરી દરમિયાન નિધિ સમર્પણ પણ ચલાવાયું હતું. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે મંદિર નિર્માણ માટે દાનનો સિલસિલો જારી છે. અત્યાર સુધીમાં મોરારિબાપુ અને તેમના ભક્તો દ્વારા સૌથી વધુ ૧૧ કરોડ રૂપિયાનું દાન અપાયું છે. પટણાના મહાવીર ટ્રસ્ટે પણ ૫ વર્ષ સુધી દર વર્ષે ૨-૨ કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે અને અત્યાર સુધીમાં ૪ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આ ઉપરાંત શિવસેના, આરએસએસના કાર્યકર સિયારામ તથા ચૈતન્ય સેવા ટ્રસ્ટ-મુંબઇ દ્વારા એક-એક કરોડ રૂપિયાનું દાન અપાયું છે.
ટ્રસ્ટનું ખાતું ખૂલ્યા બાદ કેન્દ્ર સરકારે એક રૂપિયાનું અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ૧૧ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વિદેશમાંથી દાન મેળવવા માટે એફસીઆરએ જોઇએ અને તેના માટે ૩ વર્ષનો ઓડિટ રિપોર્ટ ફરજિયાત છે. ટ્રસ્ટને હજુ ૩ વર્ષ પૂરાં ન થયાં હોવાથી વિદેશમાંથી દાન મેળવવામાં હજુ સમય લાગશે એમ સૂત્રોએ
જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter