રામજન્મભૂમિ ચુકાદાને પડકારતી ૧૮ અરજી રદ

Friday 20th December 2019 06:41 EST
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અયોધ્યા ચુકાદાની વિરુદ્ધમાં રજૂ થયેલી તમામ ૧૮ રિવ્યુ પિટિશન ૧૨ ડિસેમ્બરે એકઝાટકે ફગાવી દેતાં રામ જન્મભૂમિ સ્થળે મંદિર નિર્માણનો માર્ગ મોકળો થતો હોય તેમ જણાય છે. હવે ચુકાદો પડકારવા ઇચ્છતા અરજદારો માટે એક માત્ર વિકલ્પ ક્યુરેટિવ પિટિશનનો બચ્યો છે.
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે ફરમાવેલા ઐતિહાસિક ચુકાદાને પડકારતી કુલ ૧૮ અરજી કરાઇ હતી. આમાંની મોટા ભાગની અરજીના વાંધા દમ વગરના જણાતા સુપ્રીમ કોર્ટની ખંડપીઠે તેને એક જ ઝાટકે ફગાવી દીધી હતી. ૧૮માંથી ૯ અરજી અગાઉના મૂળ અરજદારો દ્વારા દાખલ કરાઇ હતી. બાકીની ૯ થર્ડ પાર્ટી દ્વારા દાખલ કરાઇ હતી.
કોર્ટે ગત મહિને અયોધ્યા પર ઐતિહાસિક ચુકાદો આપીને રામમંદિર નિર્માણનો માર્ગ મોકળો કરી દીધો છે, જે પછી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ચુકાદાની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. તો નિર્મોહી અખાડાએ પણ રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી. અલબત્ત, નિર્મોહી અખાડાએ અયોધ્યા ચુકાદાની વિરુદ્ધ નહીં, પણ પોતાની અરજીમાં રામમંદિર ટ્રસ્ટમાં પક્ષકારોની ભૂમિકા નક્કી કરવાની માગ કરી હતી.
સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની ખંડપીઠે તમામ ફેર વિચારણા અરજીઓ ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની આગેવાની હેઠળની પાંચ સભ્યોની ખંડપીઠે અગાઉ દાખલ કરવામાં આવેલી ફક્ત ચાર અરજીઓને ધ્યાન પર લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter