નવી દિલ્હીઃ રવિવારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દિલ્હીનાં રામલીલા મેદાનમાં જંગી ધર્મસભાનું આયોજન કરાયું હતું. રેલીને સંબોધન કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ સુરેશ ભૈયાજી જોશીએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામમંદિરનાં નિર્માણ માટે કાયદો એકમાત્ર વિકલ્પ છે. મોદી સરકાર પર લોકસભાની ચૂંટણી પહેલાં રામમંદિર નિર્માણ માટે વટહુકમ જારી કરવા દબાણ લાવવાના પ્રયાસરૂપે આયોજિત રેલીમાં જોશીએ મોદી સરકારને અલ્ટિમેટમ આપતાં જણાવ્યું હતું કે, અમે રામમંદિર માટે ભીખ માગી રહ્યા નથી. સરકારે કાયદો બનાવવો જોઈએ.
રામમંદિર નિર્માણનાં વચનનું પાલન નહીં કરવા માટે ભાજપ પર આકરા પ્રહાર કરતાં જોશીએ જણાવ્યું હતું કે, આજે સત્તા પર બેઠેલાં લોકોએ રામમંદિર નિર્માણનું વચન આપ્યું હતું. તેમણે જનતાનો અવાજ સાંભળીને અયોધ્યામાં મંદિરનિર્માણની માગ પૂરી કરવી જોઈએ. સત્તામાં બેઠેલાં લોકો જનતાની લાગણીથી વાકેફ છે. જોશીએ જણાવ્યું હતું કે, અમે ઇચ્છીએ છીએ કે શાંતિથી રામમંદિરનું નિર્માણ થાય. જો અમારે સંઘર્ષ જ કરવો હોત તો અત્યાર સુધી રાહ જોતા નહીં. રામરાજ્યમાં જ શાંતિ સ્થપાઈ શકે છે. અમે અદાલતની વિરુદ્ધમાં પણ નથી. અદાલતની પ્રતિષ્ઠા જળવાવી જોઈએ. જે દેશમાં અદાલત પરથી વિશ્વાસ ઊઠી જાય છે તે દેશનો વિકાસ થતો નથી, તેથી અદાલતે પણ જનભાવનાઓનું સન્માન કરવું જોઈએ.