લખનૌઃ હિન્દુ આસ્થાના પ્રતીક અને વિશ્વના સૌથી મોટા રામમંદિરના ધર્મ ધ્વજારોહણ માટેની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 25 નવેમ્બરના દિવસે ફરી એક વાર અયોધ્યાના પવિત્ર પ્રાંગણમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાવાનો છે અને આખી નગરી ફરી એકવખત શણગારાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમારોહમાં અધ્યક્ષસ્થાને રહેશે અને તેમાં મુકેશ અંબાણી જેવા દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ તો અમિતાભ બચ્ચન, સોનુ નિગમ જેવી ફિલ્મ-સંગીત જગતની હસ્તીઓ પણ ભાગ લેશે. આવા અનેક મહાનુભાવોને આમંત્રણ પાઠવી દેવામાં આવ્યા છે.
આવતા સપ્તાહે યોજાનારો આ કાર્યક્રમ હવે મંદિરની પૂર્ણતાના પ્રતીકાત્મક ચિહ્ન તરીકે જોવામાં આવી રહ્યો છે. જોકે 25મીએ સામાન્ય ભક્તો રામલલ્લાના દર્શન નહીં કરી શકે કેમ કે આ કાર્યક્રમને અનુલક્ષીને મંદિરમાં સામાન્ય નાગરિકોનો પ્રવેશ બંધ કરી દેવાયો છે. મંદિરના ટ્રસ્ટે લોકોને ઘરેથી જ સેરેમનીમાં ભાગ લેવાની વિનંતી કરી છે. આ પ્રસંગે રામ લલ્લાની મૂર્તિના ઘડવૈયા અરૂણ યોગીરાજ પણ ખાસ અતિથિ તરીકે હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર મંદિરના બાંધકામમાં સામેલ કામદારો અને મૂર્તિકારોને મળશે. કાર્યક્રમનું સીધું પ્રસારણ નેશનલ ટીવી પર કરવામાં આવશે.
લોખંડી સુરક્ષા બંદોબસ્ત
આ ભવ્ય ઇવેન્ટ માટે અયોધ્યા અને તેની ફરતે સલામતી વ્યવસ્થા જડબેસલાક કરી દેવાઈ છે. ટ્રસ્ટની સાથે સાથે સલામતી સંસ્થાઓની સંયુક્ત ટીમો મંદિરની અંદર અને બહાર દેખરેખ કરશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી, ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્ય નાથ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત 25 નવેમ્બરના રોજે યોજાનાર આ ધ્વજારોહણ સમારોહમાં હાજર રહેશે. ઇવેન્ટની સલામતી અને ભવ્યતાને ધ્યાનમાં રાખીને રામ લલ્લાના દર્શન 24 નવેમ્બર રાત્રિથી જ સામાન્ય ભાવિકો માટે બંધ કરી દેવાશે.
વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ
ચંપત રાયે જણાવ્યું હતું કે ધ્વજારોહણ સમારોહ એ રામ મંદિરનું નિર્માણ હવે પૂર્ણ થયું છે તેની એક જાહેરાત છે. તેમણે તમામ ભક્તોને ધીરજ રાખવાની તેમજ આ ઐતિહાસિક ક્ષણને માનભેર ઉજવવાની અપીલ કરી છે.
આ ઇવેન્ટ માટે જેમને આમંત્રણ અપાયા છે તે ઉદ્યોગપતિઓ અને બિઝનેસ ટાયકૂનોમાં એલએન્ડટીના એમડી/સીઈઓ એસ.એન. સુબ્રમણ્યમ, ટાટા જૂથના સીઈઓ ચંદ્રશેખરન અને જીએમઆર ગ્રૂપના જી. કિરણ કુમારનો સમાવેશ થાય છે.
સૂત્રોએ દાવો કર્યો છે કે એફસીઆરએ હેઠળ ભંડોળ આપનાર બિનરહેવાસી ભારતીયો (એનઆરઆઈએસ)ને પણ આ પ્રસંગે અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ટોચના નેશનલ ટેકનીકલ અને સાયન્ટિફિક સંસ્થાઓમાંથી નિષ્ણાતોને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યા છે.


