રામવૃક્ષ યાદવ મથુરાના જવાહર બાગમાં સમાંતર સરકાર ચલાવતો હતો

Thursday 09th June 2016 03:32 EDT
 
 

કૃષ્ણનગરી મથુરામાં આંદોલનકારીઓને હટાવાતા ફાટી નીકળેલી હિંસાની આગ તો શમી ગઇ છે, પણ આ આંદોલનકારીઓનો નેતા રામવૃક્ષ યાદવ હજુ સમાચારોમાં છવાયેલો છે. પોલીસ તપાસમાં બહાર આવી રહ્યું છે તેમ રામવૃક્ષ યાદવ મથુરાના જવાહર બાગમાં સમાંતર સરકાર ચલાવતો હતો.
મથુરામાં ૨૭૦ એકર જમીન પર કબજો જમાવી બેઠેલાં રામવૃક્ષ યાદવે જવાહર બાગનો ઉપયોગ એક સ્વતંત્ર દેશ તરીકે કર્યો હતો. આ દેશનું નામ આઝાદ હિન્દ હતું. સમાંતર સરકારનું નામ આઝાદ હિન્દ સરકાર હતું. આ સરકારની એક સંસદ હતી. બાળકોને નાનપણથી લશ્કરી તાલીમ આપવામાં આવતી હતી. આ જૂથના સભ્યો આર્થિક લેવડદેવડ માટે ભારતની કરન્સીનો ઉપયોગ નહોતા કરતા પણ આઝાદ હિન્દ કરન્સીમાં લેવડદેવડ કરતા હતા. મથુરાની મ્યુનિસિપાલિટીએ જવાહર બાગનો પાણી પુરવઠો બંધ કર્યો તો તેમણે વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટેના ટાંકા અને તળાવો બનાવી લીધાં હતાં. વીજળી કંપનીએ પાવર બંધ કર્યો તો તેમણે સોલાર લાઇટો લગાડી દીધી હતી. કોઈ પણ રહેવાસી જવાહર બાગ છોડીને કોઈ કામ માટે બહાર જાય તો તેણે પાસપોર્ટ જેવો એક્ઝિટ પાસ લેવો પડતો હતો.
રામવૃક્ષ યાદવના ગુરુ બાબા જય ગુરુદેવ પણ ‘અનોખી’ વિચારધારા ધરાવતા ધર્મગુરુ હતા. ઇ. સ. ૧૯૮૦ના દાયકામાં તેમણે દૂરદર્શી પાર્ટી નામના રાજકીય પક્ષની રચના કરી હતી અને સંસદની તમામ બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. તેમની પાસે કુલ ૧૨,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ હતી, જેમાં ૪,૦૦૦ કરોડ રૂપિયાની જમીનો હતી. બાબાના મથુરા ખાતેના આશ્રમમાં ૨૫૦ લકઝરી કારોનો ખડકલો હતો. ઇ. સ. ૨૦૧૨માં બાબા જય ગુરુદેવ મરણ પામ્યા ત્યારે તેમની ઉંમર ૧૧૬ વર્ષની હતી. સમાજવાદી પક્ષના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ પણ તેમના ભક્ત હતા.
બાબા જય ગુરુદેવના અવસાન પછી તેમના વારસા બાબતમાં બાબાના ડ્રાઇવર પંકજ યાદવ અને ચેલા રામવૃક્ષ યાદવ વચ્ચે વિખવાદ થયો હતો. તેમાં મુલાયમ સિંહ યાદવે મધ્યસ્થી કરીને બાબાનો વારસો પંકજ યાદવને અપાવ્યો હતો. રામવૃક્ષ યાદવના હાથમાં કંઈ ન આવ્યું ત્યારે તેણે મુલાયમ સિંહ યાદવના આશીર્વાદથી જવાહર બાગ પર કબજો કરી લીધો હતો. મુલાયમ સિંહના નાના ભાઈ શિવપાલ યાદવ નિયમિત રામવૃક્ષ યાદવને મળવા જવાહર બાગમાં જતા હતા.
રામવૃક્ષ યાદવના સામ્રાજ્યમાં સમાંતર ન્યાયતંત્ર હતું, કોર્ટો હતી અને જેલ પણ હતી. આ સંકુલમાં રહેતા આશરે ૩,૦૦૦ પ્રજાજનોનાં બાળકો માટે પાઠશાળા પણ ચાલતી હતી.
આ પાઠશાળામાં બાળકોને હિન્દી, અંગ્રેજી તેમ જ સંસ્કૃત ભાષા ભણાવવા ઉપરાંત શહીદ ભગત સિંહ અને સુભાષચંદ્ર બોઝનાં જીવનચરિત્રો પણ ભણાવવામાં આવતાં હતાં. બાળક આઠ વર્ષનું થાય ત્યારથી તેને શસ્ત્રો ચલાવવાની તાલીમ આપવામાં આવતી હતી. રામવૃક્ષ યાદવ પોતાની જાતને નેતાજી તરીકે ઓળખાવતો હતો. તે કહેતો હતો કે સુભાષચંદ્ર બોઝની જેમ હું પણ ભારતને આઝાદી અપાવીશ. આઝાદ હિન્દ સરકારની કરન્સી તરીકે સોનાના સિક્કા ચાલતા હતા.
જવાહર બાગમાં ૩,૦૦૦ લોકોને રહેવા માટે લાકડાંનાં આશરે ૧,૫૦૦ મકાનો બનાવવામાં આવ્યાં હતાં. ૨,૦૦૦ ચોરસ ફીટ જમીન પર સામુહિક રસોડું ચલાવવામાં આવતું હતું. કુદરતી હાજત માટે ૪૦ ટોઇલેટનું સંકુલ બનાવવામાં આવ્યું હતું. રામવૃક્ષ યાદવ અને તેના સાથીદારો પાસે એક ડઝન લકઝરી કારો હતી, જેમાં લેન્ડ રોવરનો પણ સમાવેશ થતો હતો. તેમના કાફલામાં એક ટ્રકનો પણ સમાવેશ થતો હતો, જેનો ઉપયોગ મથુરાની બજારમાંથી સીધુંસામાન તેમજ શાકભાજી લાવવા માટે કરવામાં આવતો હતો. કાફલામાં ૫૦ મોટરસાઇકલો પણ હતી. વીજળીની જરૂરિયાત પૂરી કરવા માટે સોલાર લાઇટો ઉપરાંત જનરેટરનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો. રહેવાસીઓની દૂધની જરૂરિયાત સંતોષવા માટે એક ગૌશાળા પણ રાખવામાં આવી હતી.
જવાહર બાગની બધી દિવાલો પર ‘આઝાદ હિન્દ સરકાર ઝિંદાબાદ’ના નારા લખવામાં આવ્યા હતા. સંકુલમાં કોઈ વ્યક્તિ એક વખત પ્રવેશ કરે તેને બહાર જવાની પરવાનગી આપવામાં આવતી નહોતી. તેમની પાસે એક સોગંદનામા પર સહી કરાવી લેવામાં આવતી હતી, જેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે તેઓ જવાહર બાગના નાગરિક છે અને આઝાદ હિન્દ ફોજના અનુયાયી છે. કોઈ વ્યક્તિ બહાર જવા માગે તો તેણે બે લોકોને અંદર લાવવાની શરત સાથે બહાર જવાનું રહેતું હતું.
જવાહર બાગમાં રામવૃક્ષ યાદવના સામ્રાજ્યમાં પ્રવેશ કર્યા પછી ૧૦ મીટરના અંતરે દિવાલ પર મોટું બોર્ડ જોવા મળતું હતું, જેમાં આઝાદ હિન્દ સેનાની નિયમાવલિ લખવામાં આવી હતી. તેમાં નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી પણ લખવામાં આવી હતી કે ઇ. સ. ૨૦૦૦ પછી વિશ્વમાં મોટી ક્રાંતિ આવશે અને ભારતનો મહાસત્તા તરીકે ઉદય થશે. રામવૃક્ષ યાદવ એવા ભ્રમમાં જીવતો હતો કે જ્યારે ભારતનો ઉદય થશે ત્યારે તે ભારતનો સમ્રાટ બનશે. દિવાલ પર સોનાના સિક્કામાં રહેલી ભારતીય કરન્સીમાં જ લેવડદેવડ કરવાના ફાયદા પણ વર્ણવાયા હતા.
જવાહર બાગનું જે કાર્યાલય હતું તેમાં જ રામવૃક્ષ યાદવે પોતાનું કાર્યાલય બનાવ્યું હતું. તે પોતે આ કાર્યાલયમાં જ રહેતો હતો. તેના કાર્યાલય સામે સુંદર તળાવ હતું. જ્યારે મથુરા મહાનગરપાલિકાએ જવાહર બાગનો પાણી પુરવઠો કાપી નાખ્યો ત્યારે તેના ભક્તો દ્વારા આ કૃત્રિમ તળાવ ઊભું કરવામાં આવ્યું હતું. બાળકોને ભણવા માટે એક સિમેન્ટ કોંક્રિટનું મકાન બનાવવામાં આવ્યું હતું, જેમાં છાપરું જ નહોતું. આ સ્કૂલમાં ધોરણ એકથી આઠના વર્ગો ચાલતા હતા. રામવૃક્ષ યાદવે જવાહર બાગમાં એક સ્ટેજ બનાવ્યું હતું, જેને તે સંસદ તરીકે ઓળખાવતો હતો. આ સ્ટેજ પરથી કોઈ પણ જાહેરાત કરવામાં આવે તે માઇક દ્વારા સમગ્ર સંકુલમાં સંભળાતી હતી. પોલીસે જ્યારે સંકુલમાં પ્રવેશ કર્યો તેની સૂચના પણ માઇક પરથી આપવામાં આવી હતી.
પોલીસે જ્યારે જવાહર બાગમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને રોકવા માટે ઝાડ પર ચડી ગયેલા રામવૃક્ષ યાદવના સૈનિકોએ આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં બે પોલીસ અધિકારી માર્યા ગયા હતા. ત્યાર બાદ પોલીસો સંકુલમાં આગળ ન વધે તે માટે તેમના માણસો દ્વારા જ સિલિન્ડરોના ધડાકા કરવામાં આવ્યા હતા, જેમાં આશરે ૧૧ લોકો માર્યા ગયા હતા.
પોલીસના હાથમાં કંઈ ન આવે તે માટે રામવૃક્ષના માણસોએ મોટરકારોને પણ આગ ચાંપી દીધી હતી. આ દંગલના બે દિવસ પછી પત્રકારોને જ્યારે જવાહર બાગમાં પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે સમગ્ર જવાહર બાગ ઉજ્જડ જણાતો હતો. રામવૃક્ષ યાદવનું આખું સામ્રાજ્ય બળીને ખાક થઈ ગયું હતું.
આજે ઘણા લોકોને ભારતની શાસન પદ્ધતિ, સરકારની આર્થિક નીતિઓ, કરવેરાનું માળખું વગેરે સામે અસંતોષ છે, પણ તેનો અર્થ એવો નથી કે ભારતથી અલગ દેશની સ્થાપના કરવી. જો તાકાત હોય તો ચૂંટણીઓ લડીને સત્તા પર આવવું જોઈએ અને દેશને સુધારવો જોઈએ. રામવૃક્ષ યાદવે જે કર્યું તે ગાંડપણ હતું અને તેને તેના ગાંડપણની સજા મળી ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter