રાયબરેલીના એનટીપીસી પ્લાન્ટમાં બોઇલર વિસ્ફોટ થતાં ૧૨નાં મોતઃ ૩૫૦થી વધુ ઘાયલ

Thursday 02nd November 2017 02:57 EDT
 
 

લખનૌઃ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી)ના ઉંચહાર પ્લાન્ટમાં મંગળવારે એક બોઈલર ફાટયા પછી લાગેલી આગમાં ૧૨નાં મૃત્યુ થયાં છે અને આશરે ૩૫૦થી વધુ કામદારો દાઝી ગયાના અહેવાલ છે. અનેકની હાલત ગંભીર ગણાવાઇ રહી છે તેથી મૃત્યુઆંકમાં વધારો થઈ શકે છે. ઘાયલોની ભારે સંખ્યાને જોતાં રાયબરેલી અને આસપાસના વિસ્તારોમાંથી એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી હતી. ઉત્ત પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મોરેશિયસથી મુખ્ય સચિવ (ગૃહ)ને પીડિતોને શક્ય તમામ મદદ કરવાની સૂચના આપી હતી. આદિત્યનાથે આર્થિક વળતરની પણ જાહેરાત કરી છે.

આ દુર્ઘટના સાંજે આશરે ચાર વાગ્યે એનટીપીસી ઉંચાહારના પ૦૦ મેગાવોટના છઠ્ઠા એકમમાં બની હતી. બનાવ સમયે ત્યાં આશરે પ૦૦ લોકો કામ કરી રહ્યા હતા. ઉંચાહારમાં સારવાર માટેની કોઇ વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં ઘાયલ થયેલા અને દાઝી ગયેલા લોકોને અલ્હાબાદ, લખનૌ અને રાયબરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળથી હજુ સુધી ૧૨ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલો પૈકી ચાર મોટા અધિકારીઓ પણ છે.

મોદીએ શોક વ્યક્ત કર્યો

આ ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘેરા શોકની લાગણી અને દુખ વ્યક્ત કર્યું છે, જ્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતનો પ્રવાસ ટૂંકાવી રાયબરેલી પહોંચી ગયા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે તેમની સંવેદના પીડિત પરિવારો સાથે છે. વડા પ્રધાને આ સાથે હોનારતમાં ઈજા પામેલા લોકો વહેલા સ્વસ્થ થઈ જાય તેવી લાગણી પણ વ્યકત કરી છે. વડા પ્રધાને આ સાથે હોનારતમાં મૃત્યુ પામેલાઓના વારસદારોને રૂ. બે-બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂ. ૫૦૦૦૦ વળતર ચૂકવવાની જાહેરાત કરી છે.

મોદીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, એનટીપીસીની હોનારતના બનાવ પર તેઓ સતત નજર રાખી રહ્યા છે. અધિકારીઓ હાલમાં આઘાતમાંથી બહાર આવી પ્લાન્ટમાં સ્થિતિ પૂર્વવત્ થાય તે કાર્યમાં પરોવાઈ ગયા છે.

રાહુલ રાયબરેલી

રાહુલ ગાંધીએ ઘટના બાદ રાયબરેલી પહોંચી એનટીપીસી હોનારતમાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોની મુલાકાત લીધી હતી. તેઓ એનટીપીસી પ્લાન્ટની મુલાકાતે પણ જવાના છે તેવું અગાઉથી જાહેર કર્યું હતું. આ સાથે કેન્દ્રીય પ્રધાન આર. કે. સિંહ અને રાજ્ય કક્ષાના પ્રધાન શ્રીકાંત શર્મા પણ રાયબરેલી દોડી ગયા હોવાના અહેવાલ છે. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલીના સાંસદ છે. તેઓ તેમની તબિયત સામાન્ય થાય તે પછી રાયબરેલી મુલાકાત લે તેમ મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter