નવી દિલ્હીઃ ગુડગાંવની એમિટી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા બાળ કલાકાર તક્ષીલ બુદ્ધદેવે રાષ્ટ્રપતિનો ૨૦૧૪નો ‘નેશનલ ચાઈલ્ડ એવોર્ડ ફોર એક્સેપ્શનલ એચીવમેન્ટ ઈન ક્લાસિકલ મ્યુઝિક’ મેળવ્યો હતો. શ્રી લોહાણા મહાપરિષદ તરફથી સંગીત અને સમાજ સેવા બન્ને માટે આંતરરાષ્ટ્રીય બાળ પ્રતિભા એવોર્ડ મેળવ્યો છે અને ૭ વર્ષની વયે ૧૦૦થી વધુ કાર્યક્રમો આપવાનો વિક્રમ સ્થાપ્યો છે. તક્ષીલ મંત્રમુગ્ધ કરી દેનારી ગાયકીની સાથોસાથ ખૂબ સારી રીતે તબલા અને સિન્થેનાઈઝર વગાડે છે. તક્ષીલે ગરમાળાના વૃક્ષની તૂટેલી ડાળીઓ દાંડિયા તરીકે ઉપયોગી હોવાનું શોધી કાઢ્યું છે. તહેવારોની ઉજવણી ઈકો-ફ્રેન્ડલી રીતે થાય તે માટે તેણે વર્કશોપ પણ શરૂ કર્યા હતા. તેણે ગુડગાંવના તમામ પાર્કમાંથી ગરમાળાના વૃક્ષોની તૂટેલી ડાળીઓ ભેગી કરીને દાંડિયા તરીકે સેંકડો બાળકોને નિઃશુલ્ક વહેંચવાનું શરૂ કર્યું હતું.
તક્ષીલ ઓલ ઈન્ડિયા રેડિયો પર સૌથી વધુ કાર્યક્રમો આપવા બદલ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને વર્લ્ડ રેકોર્ડ્સ ધરાવવા સાથે તેણે બે વર્ષની વયથી સંગીત શીખવાનો આરંભ કર્યો હતો. સૂર, રાગ અને તાલ વિશે અદ્ભૂત કૌશલ્ય ધરાવતા તક્ષીલે ૮ વર્ષની વયે તબલા અને ગાયનનો ડિપ્લોમા હાંસલ કર્યો હતો. તેણે મહાત્મા ગાંધીજીની સ્મૃતિમાં રાજઘાટ અને સાબરમતી આશ્રમ ખાતે તેમજ અન્ય પ્રતિષ્ઠિત સ્થળોએ કાર્યક્રમો રજૂ કર્યા છે.