રાષ્ટ્રપતિ પદ માટે અડવાણી મોદી શાહની હાજરીમાં રામનાથ કોવિંદે ઉમેદવારી નોંધાવી

Friday 23rd June 2017 03:25 EDT
 
 

રાષ્ટ્રપતિ પદના એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદે ૨૩મીએ નામાંકન દાખલ કરી દીધું છે. આ હાઈ પ્રોફાઈલ કાર્યક્રમ માટે ભાજપના દિગ્ગજ નેતાઓ તથા એનડીએના સમર્થકો પાર્ટીઓના નેતાઓ સાથે પહોંચી ગયા હતા. મીડિયામાં જાહેર કરવામાં આવેલા અહેવાલો મુજબ કુલ ૨૦ રાજ્યોના મુખ્ય પ્રધાનો આ કાર્યક્રમમાં સામેલ થયાં હતાં. ભાજપશાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો સહિત તેલંગાણાના મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવ પણ આ કાર્યક્રમમાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, ભાજપના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી પણ હાજર રહ્યાં હતાં. આ અગાઉ મોદીએ ટ્વિટ કરીને કાર્યક્રમમાં પહોંચવા અંગેની જાણકારી જોકે આપી દીધી હતી.

દિગ્ગજ નેતાઓની હાજરી

રામનાથ કોવિંદે ઉમેદવારી નોંધાવી તે વખતે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત મધ્ય પ્રદેશ, યુપી, વગેરે રાજ્યોના મુખ્ય પ્રધાનો હાજર હતાં. એનડીએમાં સામેલ પક્ષોના નેતાઓની એક બેઠક યોજાઈ હતી. નામાંકન પહેલાં તમામ નેતાઓને સંસદની લાઈબ્રેરી બિલ્ડિંગમાં ભેગા થવા જણાવાયું હતું. ત્યારબાદ ઔપચારિકતાઓ પૂરી કરવા માટે નેતાઓ લોકસભા મહાસચિવની ઓફિસે ગયા. કોવિંદના ચાર નામાંકન પત્ર દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમના પ્રસ્તાવક તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, શિરોમણિ અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુના નામ છે. નામાંકન વખતે હાજર રહેનારા નેતાઓમાં વેંકૈયા નાયડુ, યોગી આદિત્યનાથ, મુખ્તાર અબ્બાસ નકવી, સુષમા સ્વરાજ, રામવિલાસ પાસવાન, રામદાસ આઠવલે, તામિલનાડુના મુખ્ય પ્રધાન પલનિસામી પણ હાજર રહ્યાં હતાં. ચાર સેટના નામાંકન પત્રમાં પ્રત્યેક ૬૦ પ્રસ્તાવક અને ૬૦ સમર્થક છે.

આ બાજુ નામાંકન પહેલાં રાજદ પ્રમુખ લાલુપ્રસાદ યાદવે કહ્યું કે, તેઓ નીતિશકુમારને તેમના નિર્ણય અંગે ફેરવિચાર કરવા માટે અપીલ કરશે. લાલુએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કોંગ્રેસ દ્વારા સૂચવવામાં આવેલાં મીરાંકુમાર જ જીતશે. ખાસ વાત એ છે કે ચૂંટણી જીતવા માટે જરૂરી સંખ્યા એનડીએ પાસે છે. અત્રે જણાવવાનું કે બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જેનાથી વિપક્ષી એકતાને આંચકો લાગ્યો છે.

કોવિંદની જીત પહેલેથી જ નક્કી છે કારણ કે એનડીએ અને અન્ય કેટલીક પાર્ટીઓનું પણ તેમને સમર્થન મળી રહ્યું છે. જે રાષ્ટ્રપતિ ચૂંટણીના ઈલેક્ટોરેલ કોલેજના ૬૮ ટકા મતો બરાબર છે. કોવિંદને શિવસેના, શિરોમણિ અકાલી દળ, એલજેપી, આરએલએસપી, અપના દલ, પીડીપીનું સમર્થન હાંસલ છે. અન્ય જે પાર્ટીઓ કોવિંદનું સમર્થન કરી રહી છે તેમાં એઆઈએડીએમકે, બીજેડી, ટીડીપી, ટીઆરએસ, વાઈએસઆર કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સામેલ છે. જો કે અખિલેશ કેમ્પના કેટલાક વિધાયકો અને સાંસદો કોવિંદ વિરુદ્ધ વોટિંગ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter