નવીદિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજીએ રાષ્ટ્રપતિ ભવનમાં ‘પ્રેસિડેન્ટ અ સ્ટેટ્સમેન’ નામનાં પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મોદીએ ભાવુક થતાં કહ્યું કે છેલ્લાં ત્રણ વર્ષથી રાષ્ટ્રપતિજી સાથેની એક પણ મુલાકાત એવી નથી રહી કે જેમાં મને તેમણે પિતાની જેમ સમજાવ્યો ન હોય. તેઓ મને કહેતા હતા કે, ભાઈ, આટલું શા માટે દોડો છો?
રાષ્ટ્રપતિનો વિશ્વાસ મજબૂત
મોદીએ કહ્યું કે આપણને સામાન્ય જોવા મળતા રાષ્ટ્રપતિનો ફોટો જ્યારે કોઈ પુસ્તકમાં જોઈએ તો આપણને લાગે કે મારા દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી એક નાના બાળકની જેમ હસે છે. કોઈ મોટા દેશના પ્રમુખ કે રાષ્ટ્રપતિ આવે તો પણ આવી તસવીરો જોઈને લાગે કે આપણા રાષ્ટ્રપતિનો વિશ્વાસ મજબૂત અને બુલંદ છે. મને ગર્વ છે કે રાષ્ટ્રપતિનો અભિગમ માનવીય છે.
‘મારી આ લડત વૈચારિક છે, દલિત વિરુદ્ધ દલિતની નહીં’
કોંગ્રેસના નેતૃત્વ હેઠળ વિવિધ ૧૭ વિરોધ પક્ષોના રાષ્ટ્રપતિના ઉમેદવાર મીરાંકુમારે સાબરમતી આશ્રમની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને વંદન કરી રાષ્ટ્રપતિપદની ચૂંટણીના પ્રચાર અભિયાનનો આરંભ કર્યો હતો. આ લડતને લોકસભાના પૂર્વ સ્પીકરે દલિત વિરુદ્ધ દલિતની નહીં પરંતુ મહાત્મા ગાંધીના વિચારો, આદર્શને આગળ ધપાવવાની લડત ગણાવી હતી.
૩૦મીએ સવારે ગાંધી આશ્રમની મુલાકાત બાદ તથા પછીથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પ્રખર દલિત નેતા બાબુ જગજીવન રામનાં પુત્રી અને કોંગ્રેસનાં પૂર્વ સાંસદ મીરાંકુમારે પોતાની આ મુલાકાત તથા રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પોતાની ઉમેદવારીના મુદ્દે વાતચીત કરી હતી.
મીરાંકુમાર અકળાઈ ગયાં
રાષ્ટ્રપતિપદના કોંગ્રેસના ઉમેદવાર મીરાંકુમાર એ સવાલથી અકળાઈ ઊઠ્યાં છે કે ભાજપના ઉમેદવાર રામનાથ કોવિંદ સામે તમારી હાર નક્કી છે, છતાં પણ તમે ચૂંટણી શું કામ લડો છો? બેંગલુરુ સંયુક્ત ઉમેદવાર એવા મીરાંકુમારે આ સવાલના જવાબમાં પહેલીએ વળતો સવાલ પૂછી નાંખ્યો હતો કે, હું હારી જવાની છું એટલે શું મારે ઉમેદવારી પાછી ખેંચી લેવાની? મીરાંકુમારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, મેં મારો પ્રચાર સાબરમતી ગાંધી આશ્રમથી શરૂ કર્યો છે. હું સિદ્ધાંતો માટે મૂલ્યોને ખાતર ચૂંટણીમાં ઊભી છું. આ બાબતો માટે કોઈએ તો ઊભા થઈને લડવું પડશે ને! કોંગ્રેસે મને કાંઈ ચૂંટણીમાં ઊભા રાખી ‘બલીનો બકરો’ નથી બનાવી. હું એક કોઝ માટે ચૂંટણી લડું છું. ઉલ્લેખનીય છે કે રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે જ્યારે કોંગ્રેસને ચૂંટણી જીતવાની હતી ત્યારે તેમને મીરાંકુમાર યાદ નહોતાં આવ્યાં. આજે જ્યારે હારવાની નક્કી છે ત્યારે જ મીરાંકુમાર યાદ આવ્યાં છે.
મીરાંકુમાર અકળાયેલાં છે ત્યારે જ ત્રીજીએ ત્રિપુરા તૃણમૂલના વિધાનસભ્યો બળવાને માર્ગે છે અને જાહેર કર્યું છે કે કોવિંદની તરફેણમાં મતદાન કરશે. તૃણમૂલ કોંગ્રેસના વડાં મમતા બેનરજી રાષ્ટ્રપતિપદ માટેના વિરોધપક્ષના ઉમેદવાર મીરાંકુમારની તરફેણ કરી રહ્યા હોય, પરંતુ ત્રિપુરામાં પક્ષના વિધાનસભ્યોએ એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદની તરફેણમાં મતદાન કરવા નિર્ણય લીધો છે. પહેલી જુલાઇએ મળેલી ત્રિપુરા વિધાનસભાના તૃણમૂલના વિધાનસભ્યોની બેઠકમાં કોવિંદને સમર્થન આપવા નિર્ણય લીધો હતો.
ત્રિપુરા રાજ્ય વિધાનસભામાં તૃણમૂલના નેતા સુદીપ રાય બર્મને પત્રકારોને જણાવ્યું હતું કે માર્ક્સવાદી પાર્ટી જે ઉમેદવારનું સમર્થન કરી રહી હોય તેને તેઓ સમર્થન નહીં આપે. વર્ષ ૨૦૧૮માં ત્રિપુરા વિધાનસભાની યોજાનારી ચૂંટણીમાં માર્ક્સવાદી પાર્ટીને સત્તા પરથી દૂર કરવા તૃણમૂલ કાર્યકરો ભારે જહેમત લઈ રહ્યા છે. તેને કારણે ત્રિપુરાના તૃણમૂલ કોંગ્રેસના વિધાનસભ્ય મીરાંકુમારને સમર્થન નહીં આપી શકે.