નવીદિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ૧૩મી એપ્રિલે રાષ્ટ્રપતિ ભવનમાં ૪૪ લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યાં હતાં. રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં આયોજિત કાર્યક્રમમાં મુખર્જીએ ગુરુ સહદગુરુ જગદીશ વાસુદેવ અને ગાયક કે જે યેસુદાસને પદ્મ વિભૂષણ એવોર્ડ આપ્યા હતાં. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન સુંદરલાલ પટવાના પત્નીએ તેમના વતી એવોર્ડ સ્વીકાર્યો હતો. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે પદ્મ એવોર્ડ માટે એવા લોકોની પસંદગી કરવામાં આવી હતી જેમની કળા અદ્ભૂત છે પણ તેઓ અત્યાર સુધી કોઇના ધ્યાનમાં આવ્યા નથી.
કુલ ૪૪ લોકોને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. દરબાર હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેબિનેટના વરિષ્ઠ પ્રધાનો અને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન હાજર રહ્યાં હતાં.
'મોહન વીણા' નામના સંગીત સાધનના શોધક પંડિત વિશ્વમોહન ભટ્ટ, આધુનિક ભાષાઓના પ્રોફેસર અને કાશી વિશ્વનાથ મંદિરના આચાર્ય દેવીપ્રસાદ દ્વિવેદી, જૈન સાધુ જૈનાચાર્ય રત્નાસુંદરસુરી મહારાજને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. પત્રકાર રામાસ્વામીને મરણોત્તર પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમના વતી તેમના પત્નીએ એવોર્ડ સ્વીકાર્યો હતો.
સેલિબ્રિટી શેફ સંજીવ કપૂર, ગાયક કૈલાશ ખેર, બોલિવૂડ ઇતિહાસકાર ભાવના સોમૈયા, પૂર્વ વિદેશ સચિવ કનવાલ સિબલ, ઓલિમ્પિયન દીપા કરમાકર, શશી મલિક અને વિકાસ શિવે ગોવડા,પેરાલ્મ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ મરિયાપ્પન ટી અને અન્યોને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત અમેરિકા સ્થિત મીડિયા મેગ્નેટ હસમુખ શાહ અને નામાંકિત સર્જન ડો. દેવેન્દ્ર પટેલને પણ પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.