નવી દિલ્હીઃ ૧૭મી જુલાઇએ થનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચે ૧૪મીએ નોટિફિકેશન જારી કરીને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. ૨૮ જૂન સુધી ફોર્મ ભરી શકાશે. શાસક ગઠબંધન એનડીએ અને વિરોધ પક્ષો કોઇ એક ઉમેદવાર માટે સંમત નહીં થાય તો ૧૭ જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા જવા રવાના થાય તે પહેલાં ભાજપ સમર્થિત ઉમેદવાર ૨૧ થી ૨૪ જૂન દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરે તેવી શક્યતા છે. ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ૧૪મીએ છ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. જોકે જરૂરી મતદારોનું સમર્થન ન હોવાથી આ તમામ ફોર્મ રદ થશે.
વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કાર્યકાળ ૨૪ જુલાઇએ સમાપ્ત થઇ રહ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં વિરોધ પક્ષોની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં ૧૦ પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદના જણાવ્યા અનુસાર બેઠકમાં રાષ્ટ્રપતિના ઉમેદવારના નામ અંગે કોઇ ચર્ચા કરવામાં આવી ન હતી.