નવી દિલ્હી: રાષ્ટ્રપતિપદ માટે ૧૭મી જુલાઈએ ચૂંટણી યોજાવાની છે ત્યારે વિપક્ષના ઉમેદવાર તરીકે મીરાંકુમારે ૨૮મીએ છેલ્લા દિવસે ઉમેદવારીપત્ર ભર્યું હતું. કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને મનમોહનસિંહ સહિત ૧૭ વિપક્ષી નેતાઓ આ પ્રસંગે હાજર હતા, જોકે કોઈ કારણસર કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી, આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી ઉમેદવારી નોંધાવતી વખતે ગેરહાજર રહ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૬૪ ઉમેદવારોએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ ગયા અઠવાડિયે જ આ પદ માટે ઉમેદવારીપત્ર ભરી ચૂક્યા છે. મીરાંકુમાર દ્વારા ઉમેદવારીપત્રના ચાર સેટ લોકસભાના મહાસચિવ સમક્ષ રજૂ કરાયા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભાના મહાસચિવ ચૂંટણીઅધિકારીની જવાબદારી નિભાવે છે.