નવી દિલ્હીઃ દેશના 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દેશભરના સાંસદો અને ધારાસભ્યોએ સોમવારે ભારે મતદાન કર્યું હતું. એનડીએના ઉમેદવાર દ્રોપદી મુર્મુ અને વિપક્ષના યશવંત સિંહામાંથી પસંદગી માટે થયેલા મતદાનની ગણતરી 21મીએ થશે અને 25મી જુલાઈએ નવા રાષ્ટ્રપતિ હોદ્દાના શપથ ગ્રહણ કરશે. જોકે એનડીએની સ્થિતિ જોતાં મુર્મુ નિશ્ચિતપણે દેશના આગામી રાષ્ટ્રપતિ બનશે. આ ચૂંટણીમાં કોંગ્રેસ સહિત કેટલાક પક્ષના સભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.
ભાજપના સભ્યોની સંખ્યા વધુ હોવા ઉપરાંત બીજેડી, બીએસપી, શિરોમણિ અકાલી દળ, શિવ સેના અને હવે જેએમએમ જેવા પ્રાદેશિક પક્ષોના સમર્થન સાથે મુર્મુના મતનો ફાળો આશરે બે-તૃતીયાંશ જેટલો થઇ જશે અને તેઓ દેશના આ સર્વોચ્ચ બંધારણીય હોદા પર બિરાજમાન થનાર સૌપ્રથમ આદિવાસી નેતા અને બીજી મહિલા હશે. સાંસદોએ સંસદના રૂમ નંબર 63માં મતદાન કર્યું હતું. ધારાસભ્યોએ તેમના જે-તે રાજ્યોની વિધાનસભાઓમાં મતદાન કર્યું હતું.
776 સાંસદો અને 4033 ધારાસભ્યો સહિત કુલ 4809 મતદાતાઓ મતદાન માટે પાત્રતા ધરાવતા હતા. જોકે તેમાં નોમિનેટેડ સાંસદો અને ધારાસભ્યો ઉપરાંત વિધાનપરિષદના સાંસદો સામેલ નથી.
દિવસભરના મતદાન બાદ ચૂંટણી પંચે કહ્યું હતું કે 99 ટકાથી વધુ મતદાતાઓએ તેમના મતદાનનો ઉપયોગ કર્યો હતો. દિલ્હીમાં સંસદ હાઉસમાં 98.90 ટકા મતદાતાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વોટિંગ બાદ અધિકારીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે સંસદ હાઉસમાં 736 મતદાતાઓને મતદાનની મંજૂરી આપી હતી. જેમાં 727 સાંસદો અને ધારાસભ્યોનો સમાવેશ થતો હતો. ભાજપના સની દેઓલ સહિત આઠ સાંસદોએ મતદાન કર્યું નહતું. સંસદમાં જે મહાનુભાવાઓએ મતદાન કર્યું હતું, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે.
25મીએ શપથવિધિ
મતોની ગણતરી 21 જુલાઇએ થવાની છે અને આગામી રાષ્ટ્રપતિ 25 જુલાઇએ શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિની આ ચૂંટણીમાં એક સાંસદના મતનું મૂલ્ય 708થી ઘટીને 700 થયું છે કેમ કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનપરિષદ નથી. એવી જ રીતે વિવિધ રાજ્યોમાં ધારાસભ્યોના મતના મૂલ્યો પણ અલગ-અલગ છે. યુપીમાં સૌથી વધુ 208 છે. એ પછી ઝારખંડ અને તમિલનાડુમાં 176 છે. સાંસદોને વોટિંગ માટે લીલું બેલેટ પેપર તો ધારાસભ્યોને પિંક બેલેટ પેપર આપવામાં આવ્યું હતું.
આઠ સાંસદો મતદાન ન કરી શક્યા
ભાજપના સાંસદ અને ફિલ્મ એક્ટર સની દેઓલ અને કેન્દ્રીય મંત્રી સંજય ધોત્રે સહિત આઠ સાંસદો મતદાન કરી શક્યા નહોતા. સની દેઓલ તબીબી સારવાર માટે વિદેશમાં છે તો ધોત્રે આઇસીયુમાં છે. ભાજપ અને શિવ સેનામાંથી બે-બે સાંસદો તેમજ બીએસપી, કોંગ્રેસ, સપા અને એઆઇએમઆઇએમમાંથી એક-એક સાંસદો ચૂંટણી દરમિયાન મતદાન કરી શક્યા નહતા. બીએસપી નેતા અતુલ સિંહ જેલમાં હોવાથી તેઓ મત આપી શક્યા નહતા. શિવ સેના નેતાઓ ગજાનન કિર્તિકર અને હેમંત ગોડસેએ પણ મતદાન કર્યું નહતું. એઆઇએમઆઇએમ નેતા ઇમ્તિયાઝ જલીલ પણ મતદાન ન કરી શકનાર આઠમાં સ્થાન ધરાવે છે.
અનેક રાજ્યોમાં ક્રોસ વોટિંગ
ગુજરાત, આસામ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં મુર્મુની તરફેણમાં ક્રોસ-વોટિંગ થયા હોવાના અહેવાલો છે. આસામમાં એઆઇયુડીએફના ધારાસભ્ય કરીમુદ્દીન બારભુયાંએ દાવો કર્યો હતો કે રાજ્ય કોંગ્રેસના આશરે 20 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. યુપીમાં પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયાના નેતા શિવપાલ સિંહ યાદવે દાવો કર્યો હતો કે તેઓ ક્યારેય સિંહાને સપોર્ટ નહિ કરે કેમ કે તેમણે તેમના ભાઇ અને સપાના વડા મુલાયમ સિંહ યાદવને આઇએસઆઇ એજન્ટ કહીને સંબોધ્યા હતા. હરિયાણા કોંગ્રેસ ધારાસભ્ય કુલદીપ બિશ્નોઇએ એવો પણ સંકેત આપ્યો હતો કે તેમણે એનડીએના ઉમેદવારને સમર્થન આપ્યું હતું. ઓડિશામાં કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ મોકિમે એવી જાહેરાત કરી હતી કે તેમણે મુર્મુની તરફેણમાં મતદાન કર્યું હતું કેમ કે તેઓ ઓડિશાની પુત્રી છે.


