નવી દિલ્હીઃ સંસદના સેન્ટ્રલ હોલમાં શનિવારે દેશના 14મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે કોવિંદે રાજકીય પક્ષોને દેશનાં મહત્ત્વનાં મુદ્દા પર કામ કરવા માટે પક્ષીય રાજકારણ છોડવા અને સંસદની ગરિમા જાળવીને સંસદગૃહમાં કામ કરવા અપીલ કરી હતી . તેમણે કહ્યું કે, સંસદ એ લોકશાહીનું મંદિર છે, તેની ગરિમા જળવાય તે મહત્ત્વનું છે. સંસદ એક પરિવાર છે જેમાં ક્યારેક મતભેદ થતા રહે છે પણ પક્ષોએ પક્ષીય રાજનીતિ છોડીને નાગરિકોનાં કલ્યાણ પર ધ્યાન આપવાની જરૂર છે. તેમણે ભાવુક થઈને કહ્યું હતું કે, હૃદયમાં અનેક સ્મૃતિઓ સાથે લઈને હું આપની વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું.
નિષ્ઠાવાન નાગરિકો જ રાષ્ટ્ર નિર્માતા
વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના કાર્યકાળના છેલ્લા દિવસ રવિવારે રાષ્ટ્રજોગ સંબોધન કરતા કહ્યું હતું કે ભારતના તમામ નિષ્ઠાવાન નાગરિકો જ રાષ્ટ્ર નિર્માતા છે. ભારતીય લોકશાહીમાં સૌને સારાં કાર્યો કરવાની તક આપવામાં આવે છે. આપણે સૌ આજકાલ લોકશાહીના પથ પર આગળ વધી રહ્યા છીએ. ભારતમાં આરોગ્ય, સુરક્ષા, શિક્ષણ અને આર્થિક સુધારાને આગળ વધારવાની જરૂર છે જેથી નાગરિકો આનંદમય જીવન જીવી શકે. દેશ આજકાલ આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે. આવતા મહિને આપણે સ્વતંત્રતાનું 75મું વર્ષ ઊજવીશું. આપણે સ્વતંત્રતાની શતાબ્દી તરફ દોરી જતાં 75 વર્ષના અમૃતકાળમાં પ્રવેશ કરી રહ્યાં છીએ. આપણા રોજબરોજના જીવનમાં આપણે પ્રકૃતિ તેમજ અન્ય વન્ય અને પ્રાણી જીવોનાં રક્ષણ માટે વધુ કાળજી રાખવાની જરૂર છે. જો તેમ નહીં કરીએ તો નજીકનાં ભવિષ્યમાં ક્લાઈમેટ ચેન્જિસની કટોકટી આપણા માટે ખતરો સર્જશે. આપણી ભાવી પેઢી માટે આપણે નદી, જમીન, જંગલો અને સમગ્ર પર્યાવરણનું જતન કરવું પડશે.
ભારતીય સંસ્કૃતિની વિશેષતા
મૂળિયા સાથે જોડાયેલા રહેવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. યુવાનોને હું આ પરંપરા જાળવી રાખવા અનુરોધ કરું છું. મારા કાર્યકાળ દરમિયાન મારા માદરે વતન જવાની અને કાનપુરમાં મારી સ્કૂલનાં વયસ્ક શિક્ષકોનાં ચરણસ્પર્શ કરવાની મને જે તક મળી તે જીવનભર યાદગાર રહેશે. ને આપ સૌએ રાષ્ટ્રપતિ બનવાની તક આપી તે માટે હું આપ સૌનો આભારી છું. આપણે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાના આદર્શો સાથે આગળ વધવાનું છે.


