નવી દિલ્હીઃ ચોમાસું સત્રના છેલ્લા દિવસે રાહુલ ગાંધીનો એક ફોટો બહાર આવ્યો હતો, જેમાં તેમના હાથમાં રહેલા એક કાગળમાં તે બધી જ વાતો સ્પષ્ટ વંચાતી હતી જે તેમણે એક દિવસ અગાઉ સંસદમાં કહી હતી. રાહુલ સંસદમાં જે કંઈ બોલવાનું હતું તેના હિન્દી મુદ્દા અંગ્રેજી ભાષામાં લખીને લઇ ગયા હતા. સોશિયલ મીડિયા પર રાહુલની આ કાપલી ફરતી થઈ હતી. આ મામલે રાહુલની હાંસી ઉડાવતાં નાણાપ્રધાન જેટલીએ કહ્યું હતું કે, 'જે લોકો લખેલું વાંચે છે, તેઓ હંમેશાં એકની એક વાતનું પુનરાવર્તન કરે છે.'
આ સાથે જ રાહુલ ગાંધી બુધવારે ગૃહમાં ઊંઘતા ઝડપાયા હતા. સોશિયલ મીડિયા પર તેમનો આ ફોટો પણ વાઇરલ થયો હતો. ગત વર્ષે પણ સંસદમાં જ્યારે મોંઘવારી અંગે ચર્ચા થઈ રહી હતી ત્યારે તેઓ ઊંઘતા ઝડપાયા હતા. ટ્વિટર પર ઘણાં લોકોએ રાહુલને 'પપ્પુ પોપટ, એક્સ્પર્ટ વિધાઉટ નોલેજ' કહીને મશ્કરી ઉડાવી હતી.
ગુરુવારે નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, 'જ્યારે વરિષ્ઠતા તમારા પર થોપવામાં આવતી હોય ત્યારે તમારામાં કેટલીક હદ સુધી પરિપક્વતા હોવી જરૂરી છે. રાહુલ ગાંધીની વય જેમ-જેમ વધી રહી છે, તેમ-તેમ તેઓ અપરિપક્વ થઈ રહ્યા છે. તેમને ભાષણ અને નારેબાજીમાં તફાવતની ખબર નથી, તેઓ અપરિપક્વ છે અને તેમની પાર્ટીએ સંસદની કાર્યવાહી ઠપ કરવામાં એડીચોટીનું જોર લગાવી દીધું છે, કારણ કે, તેઓ દેશને વિકસવા દેવા માગતા નથી.'
આ સાથે તેમણે જણાવ્યું કે, 'અમે જીએસટી બિલ પસાર કરવા માટે આશાન્વિત છીએ, જોકે સંસદનું વિશેષ સત્ર બોલાવવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.'