નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ૧૪મી ઓગસ્ટે રાજ્ય વિધાનસભાની મહત્ત્વની બેઠક પહેલાં કોંગ્રેસનાં બાગી નેતા સચિન પાયલટ સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી વાડ્રાને મળ્યા હતા. રાહુલ - પ્રિયંકા સાથેની મુલાકાત પછી સચિન તેમજ ૧૮ બળવાખોર ધારાસભ્યોની ઘરવાપસીનો તખતો ઘડાયો હતો. ૧૪મીએ રાજ્ય વિધાનસભાની બેઠક પહેલાં પાયલટ અને ગેહલોત ગ્રૂપ વચ્ચે સમાધાનનાં પ્રયાસો હાથ ધરાયા હતા.
પાર્ટીને તૂટતી બચાવવા તેમજ રાજસ્થાનમાં કોંગ્રેસની સત્તા ટકાવી રાખવામાં પહેલા પ્રિયંકા ગાંધીએ તેમજ પછી રાહુલ ગાંધીએ મધ્યસ્થીની ભૂમિકા નિભાવી હતી. પાયલટ સાથેની મુલાકાત પછી રાહુલ ગાંધીએ પાયલટ અને ગેહલોત વચ્ચેનાં મતભેદો નિવારવા સમિતિ રચવા નિર્ણય લીધો હતો. જે બંને પક્ષોની ફરિયાદોનો ઉકેલ લાવશે. ગેહલોતે સમિતિને રચનાને ટેકો આપ્યો હતો. પાયલટે તેનાં ગ્રૂપનાં બે પ્રધાનોને કેબિનેટમાં પાછા લેવા દબાણ કર્યું હતું. કોંગ્રેસનાં વેણુગોપાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાર્ટીમાં સબ સલામત છે. પાયલટ પક્ષનાં હિતમાં કામ કરવા પ્રતિબદ્ધ છે. રાહુલ ગાંધી અને પાયલટ વચ્ચે નિખાલસ, ખુલ્લા મનથી રચનાત્મક વાતચીત થઈ હતી. પાયલટે તેમની ફરિયાદો રાહુલ ગાંધી સમક્ષ રજૂ કરી હતી.