રાહુલનીતિઃ મુખ મેં ગાલી, બગલ મેં ઇન્વેસ્ટમેન્ટ

કોંગ્રેસ નેતા જેમને સતત વખોડે છે તે અદાણી - અંબાણી રાજસ્થાનમાં સૌથી મોટા રોકાણકાર

Wednesday 13th July 2022 06:46 EDT
 
 

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સતત રાગ આલાપતા રહે છે કે નરેન્દ્ર મોદી સરકાર ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી માટે જ કામ કરે છે, અદાણી - અંબાણી માટે જ સરકારની નીતિઓ ઘડાયેલી હોય છે. જોકે આ નિવેદનો વચ્ચે હકીકત કંઇક અલગ જ છે. છાશવારે થતી આ ટીકા વચ્ચે વાસ્તવિક્તા એ છે કે કોંગ્રેસના શાસન હેઠળના રાજસ્થાનમાં આ બન્ને ઉદ્યોગપતિઓ જ સૌથી મોટા મૂડીરોકાણકાર રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ બહાર આવેલી માહિતી અનુસાર આ બન્ને કોર્પોરેટ ગૃહ દ્વારા ડિસેમ્બર 2021 અને માર્ચ 2022 વચ્ચે રાજસ્થાનમાં કુલ રૂ. 1.68 લાખ કરોડનું મૂડીરોકાણ કરવા કરાર કર્યા છે.
રાજસ્થાનમાં ચાર મહિનામાં રજૂ થયેલા કુલ રોકાણ સહમતિપત્રો અનુસાર રૂ. 9,40453 કરોડનું મૂડીરોકાણ થવાનું છે તેમાંથી આ બન્ને ઉદ્યોગપતિઓએ 18 ટકા માટે કટિબદ્ધતા દાખવી છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલાર દ્વારા રાજસ્થાનમાં રૂ. 1,00,000 કરોડના રોકાણ માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, ગૌતમ અદાણી જૂથની વિવિધ કંપનીઓમાંથી અદાણી ગ્રીને રૂ. 60,000 કરોડ, અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા રૂ. 5,000 કરોડ, અદાણી ટોટલ ગેસ દ્વારા રૂ. 3000 કરોડ અને અદાણી વિલ્મરે રૂ. 246 કરોડ માટે તૈયારી દાખવી હોવાનું આ માહિતીમાં બહાર આવ્યું છે.
રાહુલ ગાંધીએ ઉદ્યોગગૃહોના નામ લીધા વગર એવું નિવેદન કર્યું હતું કે મોદી સરકાર પોતાના મિત્રોને 50 વર્ષ માટે એરપોર્ટ આપવા તૈયાર છે જયારે દેશના યુવાનોને ચાર વર્ષની કોન્ટ્રાક્ટ જોબ જ આપે છે. અગ્નિપથ યોજના હેઠળ નિવેદન આપતા રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે મોદી સરકાર અગ્નિવીર નહીં પણ પોતાના મિત્રોને દૌલતવીર બનાવવા માટે પ્રયત્નશીલ છે.
જોકે, મૂડીરોકાણ આકર્ષવામાં કોંગ્રેસની રાજ્ય સરકારને રાહુલ ગાંધીના નિવેદનોનો કોઈ બાધ નડતો નથી. રાજસ્થાનમાં મૂડીરોકાણ આકર્ષવા માટે અશોક ગેહલોતના વડપણ હેઠળની સરકારે ઇન્વેસ્ટ રાજસ્થાન અંતર્ગત વિવિધ ઉદ્યોગોને રાજ્યમાં ઇન્વેસ્ટ કરવા માટે એક ખાસ સમિટનું આયોજન કરે છે. આ વખતે જાન્યુઆરીમાં આ સમિટ કોરોનાના કારણે રદ્દ કરાઇ હતી અને હવે જયપુર ખાતે આગામી ઓક્ટોબરમાં તેનું આયોજન કરવા માટે તૈયારી ચાલી રહી છે. સૂચિત આયોજનના ભાગરૂપે અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણી સાથે ગેહલોતે મુલાકાત પણ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter