નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને ૨૬મીએ નિર્દેશ આપ્યા હતા કે માહિતી અધિકાર (આરટીઆઇ) કાયદા હેઠળ જો બેંકોને મુક્તિ મળી ન હોય તો આ કાયદા હેઠળ તેમના વાર્ષિક નિરીક્ષણ અહેવાલ સાથે સંકળાયેલી માહિતી આપવામાં આવે. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે રિઝર્વ બેંકને માહિતીના અધિકાર કાયદા હેઠળ માહિતી ઉપલબ્ધ કરાવવાની પોતની નીતિની સમીક્ષા કરવાના પણ નિર્દેશ આપ્યા હતા. ખંડપીઠે જણાવ્યું હતું કે, કાયદા હેઠળ તે આમ કરવા માટે બાધ્ય છે.
જોકે, ખંડપીઠે રિઝર્વ બેંકની વિરુદ્ધ કોર્ટની અવગણના ન કરી પણ તેણે સ્પષ્ટ કર્યું હતું કે, તે માહિતીના અધિકાર કાયદાની જોગવાઇઓનું પાલન કરવા માટે તેને અંતિમ તક આપી રહી છે. જો આરબીઆઇ માહિતીના અધિકાર કાયદા હેઠળ માહિતી આપવાનો ઇનકાર કરશે તો તેને ગંભીરતાથી લેવાશે.