નવી દિલ્હીઃ રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ (RERA)નો આખા દેશમાં ૧લી મેથી પ્રારંભ થઈ રહ્યો છે. ઘર ખરીદનાર ગ્રાહકોના અધિકારો અને હિતોની જાળવણી માટે તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રે પારદર્શકતા લાવવા માટે સરકાર નવો કાયદો અમલી બનાવી રહી છે, પણ રાજ્યો દ્વારા તેના અમલ માટે ઉદાસીન વલણ અપનાવ્યું છે. ફક્ત ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ જ તેના નિયમો જાહેર કર્યા છે.
રિયલ એસ્ટેટ ડેવલપર્સ કમ્પ્લિશન સર્ટિફિકેટ મેળવ્યા પછી જ તેના પ્રોજેક્ટની જાહેરાત આપી શકશે. ગ્રાહકોને રક્ષણ આપતો રિયલ એસ્ટેટ કાયદો અમલમાં આવ્યા પછી મકાનો અને બાંધકામના ખર્ચમાં ૧૦ ટકાનો વધારો થશે. કાયદાને લીધે તમામ ડેવલપર્સની ફાઇનાન્સ કોસ્ટ અને વહીવટી ખર્ચમાં વધારો થશે. સરવાળે ખર્ચમાં થતો આ વધારો તેઓ ગ્રાહકો પાસેથી જ વસૂલ કરશે. કાયદાના અમલને કારણે બિલ્ડર્સના મૂડીખર્ચમાં વધારો થશે, જોકે આને કારણે બાંધકામ કંપનીઓ અને રિયલ એસ્ટેટ કંપનીઓ કે જે રાતોરાત ઊઠી જતી હતી તેમાં ઘટાડો થશે. બિલ્ડર્સ દ્વારા જે પ્રોજેક્ટ હાથ પર છે તેને કાયદાના અમલમાં રાહત આપવા માગણી કરાઈ છે. કેન્દ્રના હાઉસિંગ અને શહેરી ગરીબી નાબૂદી પ્રધાન વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, આ કાયદાના કારણે ઘર ખરીદનારા ગ્રાહકો કિંગ બની જશે.
આ કાયદાથી ડેવલપર્સને પણ ફાયદો થશે. જોકે ફક્ત મધ્ય પ્રદેશે જ સત્તામંડળની રચના કરી છે. જ્યારે ૭ રાજ્યો અને ૬ કેન્દ્રશાસિત પ્રદેશોએ જ નિયમો ઘડયા છે અને જાહેર કર્યા છે. જેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને બિહારનો સમાવેશ થાય છે અનેે ૬ કેન્દ્રશાસિત પ્રદેશો આંદામાન-નિકોબાર, ચંડીગઢ, દાદરા-નગરહવેલી, દમણ અને દીવ, લક્ષદ્વીપ અને દિલ્હી એનસીઆરનો પણ સમાવેશ થાય છે. અન્ય રાજ્યોએ તેમના પોતાના નિયમો જાહેર કર્યા જ નથી. જે રાજ્યો તેમના નિયમો નહીં ઘડે તેની સામે લોકો કોર્ટમાં કેસ કરી શકશે. આખા દેશમાં ૭૬,૦૦૦ રિયલ એસ્ટેટ કંપનીઓ આ કાયદા પછી નિયમનકારી સત્તામંડળ હેઠળ આવી જશે. જોકે દિલ્હી, આંદામાન- નિકોબાર અને ચંડીગઢ દ્વારા વચગાળાની ઓથોરિટી રચાઈ છે. હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત અને આંધ્ર પ્રદેશ તેમજ અન્ય રાજ્યો દ્વારા ઓથોરિટી રચવાની બાકી છે. આમ આવા રાજયોમાં ૧ મેથી નવા ખાનગી હાઉસિંગ પ્રોજેક્ટ લોન્ચ કરી શકાશે નહીં. હાલ આ સેક્ટર મંદીમાં સપડાયું છે ત્યારે તેને વધુ નુકસાન થાય તેવી સંભાવના છે. જુલાઈ સુધીમાં હાથ પરનાં તમામ પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
કાયદાની મહત્ત્વની જોગવાઈઓ
• તમામ રિયલ એસ્ટેટ ડેવલપર્સે તેના પ્રોજેક્ટ અને રિયલ એસ્ટેટ એજન્ટનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
• ગ્રાહકો પાસેથી મેળવેલી ૭૦ ટકા રકમ અલગ બેન્ક ખાતાંમાં જમા કરાવવાની રહેશે. • બેન્કમાંથી ફક્ત બાંધકામનાં કામકાજ માટે જ પૈસા ઉપાડી શકાશે. આને કારણે પ્રોજેક્ટ સમયસર પૂરો થશે.
પ્રોજેક્ટમાં વિલંબ માટે ડેવલપર્સને દંડ
• દરેક ડેવલપર્સે સત્તામંડળની વેબસાઇટ પર તેના પ્રોજેક્ટની વિગતો મૂકવાની રહેશે. • બાંધકામ અંગેની માહિતી અને પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિની વિગતો દર ૩ મહિને અપડેટ કરવાની રહેશે. • પ્રોજેક્ટ વિલંબમાં મુકાય તો બેન્ક લોનનું વ્યાજ ડેવલપર્સે ચૂકવવાનું રહેશે.• ગ્રાહકને પઝેશન આપ્યા પછીનાં પાંચ વર્ષમાં જો કોઈ ખામી જણાય તો ડેવલપર્સે તે ૩૦ દિવસમાં કોઈ ચાર્જ લીધા વિના દૂર કરી આપવી પડશે.• જો ડેવલપર્સ તેમ ન કરે તો ગ્રાહક વળતર મેળવવાને હકદાર છે. • એપેલટ ટ્રિબ્યૂનલ કે સત્તામંડળના આદેશનો અમલ નહીં કરનાર ડેવલપર્સને ૩ વર્ષની અને એજન્ટ તેમજ ખરીદનારને ૧ વર્ષની સજા કરાશે.