રિયલ ટાઇમ બિલિયોનેર મુકેશ અંબાણી

Thursday 25th June 2020 06:25 EDT
 
 

નવી દિલ્હી: વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ના રિયલ ટાઈમ બિલિયોનેરની યાદીમાં મુકેશ અંબાણી ૬૪.૬ અબજ ડોલરની સંપત્તિ સાથે નવમા ક્રમે પહોંચી ગયા છે. જ્યારે ગૂગલના લેરી પેજ પાછળ ધકેલાયા છે. રિલાયન્સ કરજમુક્ત થયાની જાહેરાત સાથે જ અંબાણીએ ટોપ-૧૦માં સ્થાન મેળવ્યું છે.
રિલાયન્સની આવકમાં વધારો થયા બાદ મુકેશ અંબાણીએ કહ્યું હતું કે કંપની કરજમુક્ત થઈ ચૂકી છે. વૈશ્વિક માર્કેટમાંથી કંપનીએ ૫૮ દિવસમાં ૧.૧૫ લાખ કરોડ રૂપિયા મેળવ્યા છે. એ પછી તેમની વ્યક્તિગત સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો.
રિલાયન્સ ભારતની પ્રથમ એવી કંપની છે કે જેની માર્કેટ કેપ ૧૫૦ અબજ ડોલર છે. રિલાયન્સે જિયો પ્લેટફોર્મમાંથી શેર વેચીને રોકાણ મેળવ્યું હતું, તેના કારણે માત્ર બે મહિનામાં જ કંપની કરજમુક્ત થઈ છે. આ સાથે જ મુકેશ અંબાણી ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેરની યાદીમાં ટોપ-૧૦માં પહોંચી ગયા છે. ૬૪.૬ અબજ ડોલરની સંપત્તિ સાથે અંબાણીને ફોર્બ્સે નવમો ક્રમ આપ્યો હતો. જ્યારે ગૂગલના લેરી પેજ ૧૦મા નંબરે તો ગૂગલના સહસ્થાપક સર્ગેઈ બ્રિન ૧૧મા ક્રમે પહોંચ્યા છે.
યાદીમાં જેફ બેઝોસે પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. બિલ ગેટ્સ બીજા, આર્નોલ્ડ ફેમિલી ત્રીજા ક્રમે જ્યારે ફેસબુકના માર્ક ઝકરબર્ગ ચોથા અને વોરેન બફેટ પાંચમા ક્રમે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter