મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 48મી એજીએમને ટેક દિગ્ગજો માર્ક ઝુકરબર્ગ અને સુંદર પિચાઈએ પણ સંબોધિત કરી હતી. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે એક નવી સંપૂર્ણ માલિકીની કંપની રિલાયન્સ ઈન્ટેલિજન્સનું અનાવરણ કર્યું હતું. કંપનીએ ભારત-કેન્દ્રિત એઆઈ પ્લેટફોર્મ બનાવવા માટે મેટા અને ગુગલ સાથે સંયુક્ત સાહસો સ્થાપવાનું જાહેર કર્યું છે. જે તેના ટેલીકોમ, રિટેલ અને એનર્જી બિઝનેસો સાથે ડીપ-ટેક એન્ટરપ્રાઈઝ તરીકે તેની વૃદ્ધિને આગળ ધપાવશે.
મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, ‘આપણે હાલમાં ખૂબ જ રોમાંચક ક્ષણમાં છીએ. આપણી એઆઈ સિસ્ટમો પોતાને સુધારવામાં વ્યસ્ત છે તેની ઝલક આપણે જોઈ રહ્યા છીએ. મેટા ખાતે, અમે દરેકને વ્યક્તિગત સુપરઈન્ટેલિજન્સ પહોંચાડવા માંગીએ છીએ.'
ગુગલની પેરન્ટ આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, સર્ચ જાયન્ટ અને રિલાયન્સ આઈઆઈએલના એનર્જી અને રિટેલથી ટેલિકોમ અને ફાઈનાન્શિયલ સર્વિસિઝ સહિતના વ્યવસાયોને એઆઈનો ઉપયોગ કરીને પરિવર્તન કરવામાં મદદ કરવા માટે ભાગીદારી કરી રહ્યા છે. આ એઆઈ અપનાવવાને સમર્થન આપવા માટે અમે સાથે મળીને જામનગર ક્લાઉડ રિજિયનની સ્થાપના કરી રહ્યા છીએ, જે રિલાયન્સ માટે બનાવવામાં આવ્યું છે અને તેને સમર્પિત છે.