રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેવામુક્ત બનીઃ માત્ર ૫૮ દિવસમાં રૂ. ૧,૬૮,૮૧૮ કરોડનું રોકાણ મેળવ્યું

Wednesday 24th June 2020 07:34 EDT
 
 

મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ નેટ ધોરણે દેવામુક્ત (ડેબ્ટ ફ્રી) કંપની બની છે. કંપનીએ માત્ર ૫૮ દિવસમાં જ રૂ. ૧,૬૮,૮૧૮ કરોડનું રોકાણ મેળવ્યું છે. જે પૈકી રૂ. ૧,૧૫,૬૯૩.૯૫ કરોડ વૈશ્વિક ટેકનોલોજી રોકાણકારોનું રોકાણ અને રૂ. ૫૩,૧૨૪.૨૦ કરોડ શેરોના રાઈટ ઈસ્યુ થકી મેળવ્યા છે. વિશ્વમાં આટલા ઓછા સમયગાળામાં સંયુક્ત મૂડી ઊભી કરવાનું ઉદ્દાહરણ ક્યાંય નથી.
ભારતીય કોર્પોરેટના ઈતિહાસમાં આ ઘટના અભૂતપૂર્વ છે. કંપનીએ નવા સીમાચિહ્નો સ્થાપ્યા છે. આ સિદ્વિ નોંધપાત્ર એટલા માટે છે કેમ કે તે કોવિડ-૧૯ના પગલે થયેલા વૈશ્વિક લોકડાઉન દરમિયાન મેળવવામાં આવી છે. પેટ્રો-રિટેલના જોઈન્ટ વેન્ચરમાં બીપીને વેચવામાં આવેલો હિસ્સો ગણવામાં આવે તો કુલ ઊભી કરાયેલી મૂડીનું મૂલ્ય રૂ.૧.૭૫ લાખ કરોડને આંબી જાય છે.

ફેસબુક સહિત દિગ્ગજ રોકાણકારો

૩૧ માર્ચ ૨૦૨૦ની સ્થિતિએ કંપનીનું કુલ દેવું રૂ.૧,૬૧,૦૩૫ કરોડનું થતું હતું. આ રોકાણ આવતાં હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સંપૂર્ણપણે દેવામુક્ત બની છે. જિયો પ્લેટફોર્મ્સે વિશ્વમાં અગ્રણી મૂડીરોકાણકારો પાસેથી ૨૨, એપ્રિલ ૨૦૨૦થી અત્યાર સુધીમાં કુલ ૧,૧૫,૬૯૩.૯૫ કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે. રોકાણકારોમાં ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાદલા, ટીપીજી, એડીઆઈએ, એલ કેટર્ટન અને પીઆઈએફનો સમાવેશ થાય છે.

રાઇટ્સ ઇસ્યુ ૧.૫૯ ગણો છલકાયો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો રાઈટ ઈસ્યુ ૧.૫૯ ગણો છલકાઈ ગયો હતો અને તે માત્ર ભારતનો જ સૌથી મોટો રાઈટ ઈસ્યુ નહોતો, પરંતુ છેલ્લા ૧૦ વર્ષમાં કોઈપણ બિન-નાણાકીય સંસ્થા દ્વારા લાવવામાં આવેલો વિશ્વનો સૌથી મોટો રાઈટ ઈસ્યુ પણ બન્યો છે. ૧૨ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ૪૨મી એજીએમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ શેરધારકોને ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલા કંપનીને દેવામુક્ત કરવાનો રોડમેપ રજૂ કરતાં ખાતરી આપી હતી કે, ‘આગામી ૧૮ મહિનામાં એટલે કે ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં સંપૂર્ણપણે ઋણમુક્ત કંપની બનાવવાનો અમારી પાસે રોડમેપ છે. અમારા કન્ઝયુમર બિઝનેસ, જિયો અને રિલાયન્સ રિટેલમાં રોકાણ કરવા વ્યુહાત્મક રોકાણકારોએ ઊંડો રસ દાખવ્યો હતો. આગામી ત્રિમાસિકોમાં કંપની આ બિઝનેસોમાં વિશ્વના અગ્રણી પાર્ટનર્સનો ઉમેરો કરશે અને પાંચ વર્ષમાં આ બન્ને કંપનીઓનું લિસ્ટિંગ કરવા તરફ આગળ વધશું. મને કોઈ શંકા નથી કંપની વિશ્વની સૌથી શક્તિશાળી બેલેન્સશીટ ધરાવતી કંપનીઓમાંની એક બની જશે.’
આ સિદ્વિ પ્રત્યે પ્રસન્નતા વ્યકત કરતાં મુકેશ અંબાણીએ ૧૯ જૂને કહ્યું હતું કે, ‘આ જાહેરાત કરતાં હું ખુશ છું કે નિયત સમય મર્યાદા ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલાં રિલાયન્સને સંપૂર્ણપણે દેવામુક્ત કરવા રોકાણકારોને આપેલું વચન અમે નિભાવ્યું છે. કંપનીના રોકાણકારો અને અન્ય હિસ્સેદારોની અપેક્ષાઓ કરતાં પણ વધુ સારા પરિણામો વારંવાર મેળવવા એ રિલાયન્સના ડીએનએમાં છે. હું તેમને ખાતરી આપવા ઈચ્છું છું કે રિલાયન્સ તેના સુવર્ણ દાયકામાં વિકાસના વધુ મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કરશે અને તેને હાંસલ પણ કરશે, જે ભારતની સમૃદ્વિ અને વ્યાપક વિકાસમાં આપણા યોગદાનને સતત વધારતાં રહેવાના રિલાયન્સના સંસ્થાપક ધીરૂભાઈ અંબાણીના વિઝનને ચરિતાર્થ કરશે.’

રિલાયન્સની માર્કેટ કેપ ૧૧ ટ્રિલિયન

છેલ્લા ત્રણ મહિનાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (RIL)માં રોકાણકારોની એકધારી લેવાલીના કારણે તેજી બરકરાર રહી છે, જેના પગલે કંપનીની માર્કેટ કેપ ૧૧ ટ્રિલિયનનો આંકડો વટાવી ગઇ છે. કંપની દેવામુક્ત (ડેબ્ટ ફ્રી) થયાની જાહેરાત બાદ રોકાણકારોની જોરદાર લેવાલી નીકળી છે. પરિણામે રિલાયન્સના શેરનો ભાવ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. કંપનીનો શેર છેલ્લા ત્રણ મહિનામાં એટલે કે માર્ચ મહિનાની નીચી સપાટીથી ૧૦૦ ટકા કરતાં વધી ગયો છે. માર્ચમાં ૨૩ તારીખે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ભાવ રૂ. ૮૮૩.૮૫ જોવાયો હતો અને સોમવારે - ૨૨ જૂને આ જ શેરનો ભાવ વધીને રૂ. ૧,૮૦૪ની ઓલટાઇમ હાઇ સપાટીએ સ્પર્શ્યો હતો. મંગળવારે નફારૂપી વેચવાલીના કારણે શેર ઘટ્યો હતો, પરંતુ સતત લેવાલીના કારણે શેર હજુ નવી ઊંચાઇએ સ્પર્શે તેવી શક્યતા છે. એનાલિસ્ટો મતે કંપનીનો શેર વર્ષ ૨૦૨૧માં રૂ. ૨૦૦૦ની સપાટીને સ્પર્શી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter