રિલાયન્સ જિયો હવે ભારતની અલીબાબા અને હુવાવે બનવાના માર્ગે

Wednesday 22nd July 2020 06:54 EDT
 
 

મુંબઇ: નેવુંના દાયકામાં જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી સ્થાપીને વિશ્વનું ધ્યાન ખેંચનારી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે પેટ્રોકેમિકલ્સ કંપની તરીકેની ઓળખમાંથી બહાર આવવા માગે છે. રિલાયન્સ વિશ્વમાં હવે પોતાના ચાર વર્ષ જૂના અવતાર જિયોના રૂપમાં નવી ઓળખ સ્થાપવા માગે છે, જે મુખ્યરૂપે ટેક્નોલોજી કંપની છે.
રિલાયન્સની આગેકૂચ અને વ્યાવસાયિક વૈવિધ્યકરણને બારિક નજરે મૂલવતા રહેલા લોકોના મતે, ચેરમેન મુકેશ અંબાણી હવે રિલાયન્સને જિયોના માધ્યમથી ચીનમાં અલીબાબાએ રિટેલમાં અને હુવાવેએ કોમ્યુનિકેશન ટેક્નોલોજીમાં જે સ્થાન ઉભું કર્યું છે તે માર્ગે આગળ વધવા માગે છે. વિશ્વના તમામ ટોચના દેશ હાલ ફાઇવ-જી ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે. અમેરિકા, ચીન, સાઉથ કોરિયા અને જાપાન આ દેશોમાં ટોચ પર છે, જેમની પાસે ફાઇવ-જી ટેક્નોલોજી છે. જોકે ચીનની હુવાવે સૌથી સસ્તો ફાઇવ-જી વિકલ્પ આપતી હોવાથી તેની પાસે સૌથી વધુ માર્કેટ હિસ્સો છે. માર્કેટ નિષ્ણાતો અનુસાર, જાસૂસીના આરોપી અંગે વિવાદોમાં મુકાયેલી હુવાવેથી હવે એક પછી એક દેશો દૂર જઇ રહ્યા છે. અત્યાર સુધી આ દેશો પાસે સસ્તો વિકલ્પ નહોતો. જો રિલાયન્સ જિયો હુવાવેની હરીફ બનીને ક્વોલિટી અને વાજબી કિંમતો સાથે ફાઇવ-જી ટેક્નોલોજી પૂરી પાડશે તો તેને વિશાળ આંતરરાષ્ટ્રીય માર્કેટ મળવાનો આશાવાદ છે. આમ, જિયો વૈશ્વિક કોમ્યુનિકેશન ટેક્નોલોજીમાં સૌથી મોટી કંપની બની શકે છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વની ટોચની ઇન્ટરનેટ કંપની ગૂગલ જિયો પ્લેટફોર્મમાં ૭.૭ ટકા હિસ્સા માટે રૂ. ૩૩૭૩૭ કરોડનું રોકાણ કરશે. ચેરમેન અંબાણીએ જણાવ્યું હતું કે જિયો પ્લેટફોર્મમાં ગુગલનું સ્ટ્રેટેજિક ઇન્ટવેસ્ટર તરીકે સ્વાગત કરવા ઉત્સુક છું. ગુગલની સાથે તેઓ બાઇન્ડિંગ પાર્ટનરશિપ અને ઇન્વેસ્ટમેન્ટ એગ્રિમેન્ટ કર્યા છે.

હવે રિટેલમાં રોકાણ પર ફોકસ?

આ જ રીતે રિલાયન્સ જિયો રિટેલ માર્કેટમાં પગદંડો જમાવીને ચીનના દિગ્ગજ અલીબાબાના માર્ગે આગળ વધવા માગે છે. ચેરમેન મુકેશ અંબાણીએ જિયો પ્લેટફોર્મના રોકાણનો સિલસિલો થંભ્યો હોવાની જાહેરાત કરી છે. સાથે સાથે જ સંકેત પણ આપ્યા છે કે ગ્રૂપમાં હાલ વિદેશી મૂડીરોકાણનો સિલસિલો જારી રહેશે. મતલબ કે નવા રોકાણો રિલાયન્સ રિટેલમાં આવી શકે છે.

૩ મહિનામાં રૂ. ૨,૧૨,૮૦૯ કરોડ

રિલાયન્સે રાઇટ્સ ઇશ્યૂ, જિયો પ્લેટફોર્મના રોકાણ અને ભારત પેટ્રોલિયમ સાથે જોઇન્ટ વેન્ચર કરી કુલ રૂ. ૨,૧૨,૮૦૯ કરોડનું જંગી મૂડીરોકાણ એકત્ર કર્યું છે. રિલાયન્સ હવે ઝીરો નેટ ડેટ કંપની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter