મુંબઇઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 48મી એજીએમમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયો માટે આઈપીઓની દરખાસ્ત 2026ના પૂર્વાર્ધમાં ફાઈલ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે રિલાયન્સની નવી પેટાકંપની રિલાયન્સ ઈન્ટેલિજન્સને પણ આ મિટિંગમાં લોંચ કરી હતી. આ કંપની ગ્રીન એનર્જી આધારિત ડેટા સેન્ટરનું નિર્માણ કરશે અને રાષ્ટ્રીય સ્તરે એઆઇની સેવા આપશે. આ ઉપરાંત રિલાયન્સ ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણી આ એજીએમમાં ક્લાઉડ પાવર્ડ વર્ચ્યુઅલ કોમ્પ્યુટર જિયોપીસી પણ લોંચ કર્યું હતું.
શુક્રવારે યોજાયેલી એજીએમને સંબોધન કરતાં મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે કંપનીનો નવા એનર્જી બિઝનેસનું કદ હાલના ઓઈલ ટુ કેમિકલ બિઝનેસના કદ કરતાં આગામી પાંચથી સાત વર્ષમાં વધી જશે અને રિલાયન્સ તેની ઈબીઆઈટીડીએ 2027 સુધીમાં બમણી કરશે. રિલાયન્સ દ્રારા જામનગર ખાતે સ્થાપવામાં આવી રહેલા ગિગા એનર્જી કોમ્પ્લેક્સની ગ્રીન હાઈડ્રોજનની ક્ષમતા 2032 સુધીમાં વધારીને 30 લાખ ટનની કરાશે.
એજીએમમાં કરાયેલી મહત્ત્વની જાહેરાતો
• ક્લાઉડ પાવર્ડ વર્ચ્યુલ કોમ્પ્યુટર જિયોપીસી લોંચ કરાયું, જે જિયો સેટ ટોપ બોક્સથી ક્લાઉડને આધારે કામ કરશે અને એક વર્ચ્યુઅલ પીસીની જેમ કોઇ પણ ટીવી કે અન્ય સ્ક્રીન પર કામ કરશે.
• હાલમાં કંપનીની ઇ બીઆઇટીડીએ રૂ. 1.25 લાખ કરોડ એટલે કે 14.6 બિલિયન ડોલર છે જેને 2027 સુધીમાં બમણાથી પણ વધારે કરાશે.
• રિલાયન્સની નવી પેટા કંપની રિલાયન્સ ઇન્ટેલિજન્સ લોંચ કરાઇ જે ગ્રીન એનર્જી આધારિત ડેટા સેન્ટરનું નિર્માણ કરશે અને રાષ્ટ્રી સ્તરે એઆઇની સેવા આપશે.
• કંપનીનો નવા એનર્જી બિઝનેસનું કદ હાલના ઓઇલ ટુ કેમિકલ બિઝનેસના કદ કરતાં આગામી પાંચથી સાત વર્ષમાં વધી જશે.
• જામનગર ખાતે સ્થાપવામાં આવી રહેલા ગિગા એનર્જી કોમ્પ્લેક્સનું કામકાજ પૂર્ણતાના આરે, આ ફેકટરીની સાઇઝ ટેસ્લાની ગીગાફેકટરીથી ચાર ગણી હશે.
• ગિગા એનર્જી કોમ્પ્લેક્સની ગ્રીન હાઇડ્રોજનની ક્ષમતા 2032 સુધીમાં વધારીને 30 લાખ ટનની કરાશે.
• આ કોમ્પ્લેક્સમાંથી ગ્રીન હાઇડ્રોજનની નિકાસ પણ કરાશે કચ્છ ખાતે 5.5 લાખ એકરમાં નિર્માણ થઇ રહેલી સોલાર ફેસિલીટી વિશ્વની સૌથી મોટી સોલાર ફેસિલિટી પૈકીની એક અને સિંગાપોર શહેરના કદથી ત્રણ ગણી હશે.
• એશિયાના સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ ફુડ પાર્કનું નિર્માણ કરવા કંપની આગામી ત્રણ વર્ષમાં રૂ. 40,000 કરોડ એટલે કે 4.7 બિલિયન ડોલરનું રોકાણ કરશે.