રિલાયન્સ ડિઝની ઇંડિયાનો કારોબાર ખરીદશેઃ બે માસમાં મેગા મર્જરની કામગીરી પૂર્ણ કરાશે

Sunday 07th January 2024 06:37 EST
 
 

અમદાવાદઃ મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ (આરઆઇએલ)એ હવે મનોરંજન ઉદ્યોગમાં દબદબો જમાવવા કમર કસી છે. જિયો ફાઇબર નેટવર્કની સફળતાપૂર્વક સ્થાપના બાદ હવે રિલાયન્સ વોલ્ટ ડિઝનીનો ઇન્ડિયા કારોબાર ખરીદવાની તૈયારીમાં છે. આ માટે વોલ્ટ ડિઝની અને રિલાયન્સે લંડન ખાતે નોન-બાઈન્ડિંગ ટર્મશીટ પર હસ્તાક્ષર કર્યા છે. સંભવિત સંયુક્ત સાહસમાં રિલાયન્સ બહુમતી હિસ્સો ધરાવતી હશે. બંને કંપનીનું મર્જર દેશમાં સૌથી મોટું મીડિયા સામ્રાજ્ય ઊભું કરશે. જે ઝી એન્ટરટેઈનમેન્ટ અને સોની તથા સ્ટ્રીમીંગ સર્વિસિઝ જેવી કે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ સાથે સીધી સ્પર્ધા કરશે. ડીલના ભાગરૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 51 ટકા હિસ્સો ધરાવતું હશે. જ્યારે 49 ટકા હિસ્સો ડિઝની પાસે રહેશે. સ્ટોક અને કેશને સમાવતો સોદો ફેબ્રુઆરી સુધીમાં પૂરો થવાની અપેક્ષા છે. રિલાયન્સ બહુમતી હિસ્સા માટે કેશ ચૂકવે તેવી શક્યતા છે અને બંને કંપનીઓને સમાન કદની જેમ ટ્રીટ કરાશે. જિયો સિનેમાને પણ ડીલમાં સમાવાશે. ડિઝની માટે આ ડિલ ચઢિયાતું સાબિત થશે કેમ કે તેની હોટસ્ટાર સ્ટ્રીમીંગ એપ નુકસાનમાં ચાલી રહી છે.

આ ડિલ માટે ચર્ચા-વિચારણામાં ભાગ લેનારાઓમાં ડિઝનીના ભૂતપૂર્વ એક્ઝિકયૂટિવ કેવિન મેયર તથા મુકેશ અંબાણીના મુખ્ય સલાહકાર મનોજ મોદીનો સમાવેશ થતો હતો. અગાઉ ડિઝની સાથે કામ કયાં પછી મેયર હાલમાં બ્લોકસ્ટોનના સમર્થન સાથે સ્થાપિત મિડિયા ગ્રૂપ કેન્ડલ ચલાવી રહ્યાં હતાં. જેમને જુલાઈમાં સીઈઓ બોબ આઈગરે એડવાઈઝર તરીકે પરત લીધાં હતાં. બંને જણા મહિનાઓ સુધી ચર્ચા-વિચારણા કયાં પછી ડિલ સુધી પહોંચ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter