રિલાયન્સ ફાઉન્ડેશને શહીદોના સંતાનોનાં ભણતર-નોકરીની જવાબદારી લીધી

Friday 22nd February 2019 05:52 EST
 
 

મુંબઈઃ રિલાયન્સ ફાઉન્ડેશને પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનો પ્રતિ કૃતજ્ઞાતા દર્શાવતાં તેમનાં બાળકોનાં ભણતરની સાથે નોકરીની પૂરી જવાબદારી લેવાની જાહેરાત કરી છે. આ સાથે રિલાયન્સે જણાવ્યું હતું કે પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિવારના ઘર-ખર્ચની પૂરી જવાબદારી લેવા પણ ફાઉન્ડેશન તૈયાર છે. રિલાયન્સે જણાવ્યું હતું કે જમ્મુ-શ્રીનગર હાઇવે પર સીઆરપીએફના કાફલા પર થયેલા બર્બર હુમલા બાદ દેશભરમાં ફેલાયેલા આક્રોશમાં રિલાયન્સ પરિવાર પણ ભારતના ૧.૩ બિલિયન લોકોની પડખે ઊભો છે. દુનિયાની કોઈ પણ દુષ્ટ શક્તિ ભારતની એકતાને તોડી નહીં શકે.
ફાઉન્ડેશને જણાવ્યું છે કે, રાષ્ટ્રીય શોકની આ ઘડીએ એક નાગરિક તરીકે અને એક કોર્પોરેટ સિટીઝન તરીકે અમે આપણી સશસ્ત્ર સેના અને દેશની સરકાર સાથે છીએ. શહીદો પ્રત્યે અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવાની સાથે રિલાયન્સ ફાઉન્ડેશન એમનાં બાળકોની ભણતરની સાથે રોજગાર ઉપરાંત તેમના ઘરખર્ચની પૂરી જવાબદારી ઉપાડવા તૈયાર છે. જો જરૂર હશે તો અમારી હોસ્પિટલમાં ઘાયલ જવાનોને શ્રેષ્ઠ સારવાર આપવા પણ તૈયાર છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter