મુંબઇઃ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (આરસીપીએલ)એ ભારત સરકાર સાથે રૂ. 40 હજાર કરોડના મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારનો હેતુ દેશભરમાં ફૂડ અને ડ્રિંક બનાવતી આધુનિક ફેક્ટરિયા (ફૂડપાર્ક) સ્થાપિત કરવાનો છે. આ કરાર વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 ઇવેન્ટમાં કરાયો હતો. પ્રથમ તબક્કામાં મહારાષ્ટ્ર (નાગપુર, કાટોલ) અને આંધ્ર પ્રદેશ (કુર્નૂલ)માં ખાદ્ય ઉત્પાદન એકમો સ્થાપિત કરાશે. આ એકમો લોટ, નૂડલ્સ, નાસ્તા/નમકીન, મસાલા, ચોખા અને ઠંડા પીણાં જેવી વસ્તુઓનું ઉત્પાદન કરશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અને મુકેશ અંબાણીના પુત્રી ઇશાએ ઓગસ્ટમાં વાર્ષિક બેઠકમાં જણાવ્યું હતું કે આરસીપીએલ આગામી પાંચ વર્ષમાં રૂ. 1 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરવાનો અને ગ્લોબલ માર્કેટ સુધી પહોંચવાનો લક્ષ્ય રાખે છે. કંપનીએ જણાવ્યું હતું કે એઆઈ, રોબોટિક્સ અને સસ્ટેનેબલ ટેકનોલોજીથી સજ્જ એશિયાનો સૌથી મોટો ઈન્ટીગ્રેટેડ ફૂડ પાર્ક બનાવશે. એફએમસીજી વ્યવસાય કંપની માટે બ્લુપ્રિન્ટ તરીકે કામ કરશે, જે કપડાં, ઈલેક્ટ્રોનિક્સ અને અન્ય ઉત્પાદનોમાં વધુ વિસ્તરણ કરશે.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટસ લિમિટેડે આજ સુધીમાં ઘણી કન્ઝ્યુમર બ્રાન્ડ્સ હસ્તગત કરી છે. કંપનીએ કેમ્પા, ઈન્ડિપેન્ડન્સ, એલન્સ, એન્ઝો અને રાવલગાંવ જેવા નામોથી સાબુથી લઈને કોલા સુધીની હાઉસ બ્રાન્ડ્સ લોન્ચ કરી છે. આરસીપીએલ દેશની સૌથી ઝડપથી વિકસતી એફએમસીજી કંપનીઓમાંની એક બની ગઈ છે.