રિલાયન્સનું પહેલું ડિમર્જરઃ જિયો ફાઇનાન્સિયલનું શેરદીઠ મૂલ્ય રૂ. 261.85

Wednesday 26th July 2023 09:06 EDT
 
 

અમદાવાદ: ભારતની કોર્પોરેટ જાયન્ટ રિલાયન્સના ઇતિહાસનું પહેલું ડિમર્જર થયું છે. રિલાયન્સ શેરધારકોને જિયો ફાઇનાન્સિયલનો ડિમર્જ શેર રૂ 261.85ના મૂલ્યમાં મળ્યો છે. કંપની અગાઉ જ જાહેરાત કરી ચૂકી છે કે રિલાયન્સના પ્રત્યેક શેરદીઠ જિયો ફાઇનાન્સિયલનો એક શેર અપાશે. 20 જુલાઇએ રિલાયન્સમાંથી ફાઇનાન્સિયલ ડિવિઝનને ડિમર્જ કરવા ખાસ પ્રી-ઓપન સેશન યોજાયું હતું. જેમાં રિલાયન્સનો શેર આગલા બંધ રૂ. 2,841.85 સામે રૂ. 2,580માં સેટલ થયો હતો. ડિમર્જરને પગલે કંપનીના ફાઇનાન્સિયલ ડિવિઝનની વેલ્યૂ રૂ. 1.75 લાખ કરોડ (21 બિલિયન ડોલર) થઈ છે.
જિયો ફાઇના.નું મૂલ્ય રૂ. 1.75 લાખ કરોડ
રિલાયન્સમાંથી અલગ થયેલી જિયો ફાઇનાન્સિયલને હવે અલગ કંપની તરીકે લિસ્ટેડ કરાશે. કંપનીના રૂ. 1.75 લાખ કરોડના વેલ્યૂએશન સાથે 32મી મોસ્ટ વેલ્યૂએબલ કંપની બની છે. જે અદાણી પોર્ટ, અદાણી ગ્રીન, તાતા સ્ટીલ, કોલ ઇન્ડિયા, એચડીએફસી લાઇફ, આઇઓસી અને બજાજ ઓટો કરતાં મોટી રહી છે. કંપનીનું લિસ્ટિંગ ટૂંક સમયમાં થવાની સંભાવના છે. જિયો ફાઇનાન્સિયલની નેટવર્થ રૂ. 1.40 લાખ કરોડની અંદાજવામાં આવે છે, જે એક્સિસ બેન્કની રૂ. 1.30 લાખ કરોડ, કોટક બેન્કની રૂ. 1.10 લાખ કરોડ અને બજાજ ફાઇનાન્સની રૂ. 44,000 કરોડ કરતાં વધુ મનાય છે.
નિષ્ણાતોની ધારણા કરતાં ઊંચું મૂલ્ય
કંપનીના શેરો રોકાણકારોને એલોટ થયા બાદ શેરોનું ટ્રેડિંગ શરૂ કરાશે તેમ મનાય છે. બજાર નિષ્ણાતો ડિમર્જ શેરનું વેલ્યૂએશન
રૂ. 180-200ની રેન્જમાં મૂકતા હતા, તેની સામે રૂ. 261.85નો ભાવ આવતા રિલાયન્સ રોકાણકારોને કંપનીએ મિની બોનસની ભેટ આપી હોવાની લાગણી રહી હતી. પોસ્ટ સેશનમાં પણ રિલાયન્સના શેરના ભાવમાં તેજીની ચાલ જળવાઈ હતી અને 1.2 ટકા વધીને રૂ. 2,620ની સપાટીએ બંધ રહ્યો હતો.
નફો ઘટ્યો, કન્ઝ્યુમર બિઝનેસ વધ્યો
આ વેલ્યૂએશનને આધારે જિયો ફાઇનાન્સિયલ સર્વિસ લિમિટેડ દેશની ટોચની 50 કંપનીઓમાં 32મા સ્થાને રહી છે. 21 જુલાઇએ બજાર બંધ થયા બાદ કંપનીનું પહેલા ત્રિમાસિક ગાળા એપ્રિલ-જૂનનું પરિણામ જાહેર થયું હતું, જેમાં રિલાયન્સની આવક રૂ. 2,31,132 કરોડ થઈ હતી. ગત વર્ષે આ ગાળામાં તેની આવક 72.42 લાખ કરોડ થઇ છે તો નેટ પ્રોફિટ 5.9 ટકા ઘટી રૂ. 18,258 કરોડ થયો હતો. બીજી તરફ કન્ઝ્યુમર બિઝનેસમાં મજબૂત વૃદ્ધિ અને ઓઈલ-ટુ-કેમિકલ્સ બિઝનેસમાં વોલ્યૂમમાં વૃદ્ધિ જોવા મળી હતી. કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ 5.1 ટકા વધીને 41,982 કરોડ થયો હતો. કંપનીએ આ સાથે શેરદીઠ 9નું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
આગામી સમયમાં વધુ ડિમર્જર
કંપનીની આગામી ઓગસ્ટમાં એજીએમ મળશે ત્યારે ચેરમેન મુકેશ અંબાણી દ્વારા વધુ કેટલાક ડિવિઝનને નવી કંપનીમાં રૂપાંતર કરી લિસ્ટિંગની જાહેરાત કરાશે એવી આશા પણ બજારના વર્ગોમાં છે. કંપનીએ 2025 સુધીમાં ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે મોટા રોકાણની જાહેરાત કરી છે અને એફએમસીજી બિઝનેસને પણ આગળ વધારી રહી હોવાથી આગામી દિવસોમાં આ ક્ષેત્રે ડિમર્જરની વધુ જાહેરાતની અપેક્ષા રાખવામાં આવે છે.

રિલાયન્સ શેરનું વેલ્યુએશન કેટલું?

રિલાયન્સ શેરનો ભાવ એસઓટીપી (સમ ઓફ ધ પાર્ટ્સ) વેલ્યુએશનના ધોરણે લગભગ રૂ 80-90 જેટલો ડિસ્કાઉન્ટમાં મૂકાતો હોવાનું માર્કેટ એનાલિસ્ટોનું માનવું છે. અત્યારે શેરનો ભાવ વધઘટે રૂ.2600 આસપાસ ફરતો જોવા મળે છે, પણ તેનું વેલ્યુએશન રૂ. 2700નું થાય છે.
ડિવિઝન.....મૂલ્ય
રિટેલ.....રૂ1250
જિયો પ્લેટફોર્મ.....રૂ.600
રિન્યુએબલ.....રૂ.300
ઓટુસ.....રૂ.550
કુલ.....રૂ.2700


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter