રૂ. 1.8 લાખ કરોડ... ભારતનું સંરક્ષણ ઉત્પાદન નવી ટોચેઃ 80 દેશોમાં નિકાસ

Saturday 10th October 2026 09:22 EDT
 
 

નવી દિલ્હી: ભારતનું ડિફેન્સ સેક્ટર એક નવી જ ઊંચાઇને આંબી રહ્યું છે. દેશનું સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન વધીને 1.8 લાખ કરોડની નવી ટોચે પહોંચ્યું છે તો નિકાસ પણ 63 ટકા વધી છે. આજે ભારત 80થી વધુ દેશોમાં સંરક્ષણ સામગ્રીની નિકાસ કરે છે.
તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ભારત ડાયનામિક્સ લિ. (બીડીએલ) સાથે મહત્વપૂર્ણ ડીલ કરી છે. જે અંતર્ગત ભારતીય એરફોર્સ માટે 160 સેટેલાઇટ સ્માર્ટ એન્ટી એરફીલ્ડ વેપન્સ (એસએટી-એસએએડબલ્યુ) અને અન્ય ઉપકરણોની ખરીદી કરાશે. આ ખરીદી પાછળ આશરે 810.79 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે એસએટી-એસએએડબલ્યુ એર ટૂ ગ્રાઉન્ડ પ્રિસિજન ગાઇડેડ બોમ્બ છે, જેને જગુઆર, હોક અને સુ-30 એમકેઆઇ જેવા વિમાનો દ્વારા લોન્ચ કરી શકાય છે. તેની ખાસિયત છે કે તે લાંબા અંતરેથી દુશ્મનોના એરફીલ્ડને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે. મતલબ કે વિમાનને દુશ્મનની હવાઇ સીમામાં વધુ અંદર સુધી જવું નહીં પડે.
ભારતનું સંરક્ષણ ઉત્પાદન રેકોર્ડ 1.8 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે ગયા વર્ષની સરખામણીમાં 15.6 ટકા વધુ છે અને વર્ષ 2021થી લગભગ 18 ટકાની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. આ જ રીતે સંરક્ષણ નિકાસમાં પણ 63 ટકાનો વધારો જોવા મળ્યો છે અને લગભગ 38,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
ભારત હાલ વૈશ્વિક સ્તરે સંરક્ષણ ક્ષેત્રમાં નિકાસ કરી રહ્યું છે. જેમાં યુદ્ધમાં ઉપયોગી હથિયારો સહિતની સામગ્રીનો સમાવેશ થાય છે. ભારત હાલ 80થી વધુ દેશોમાં નિકાસ કરે છે. જેમાં અમેરિકા, ફ્રાન્સ, આર્મેનિયા મુખ્ય ખરીદનારા દેશો છે.
સંરક્ષણ નીતિમાં મહત્ત્વપૂર્ણ બદલાવ
વૈશ્વિક સ્તરે બદલાતી ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે સંરક્ષણ નીતિમાં મોટો ફેરફાર કરતાં ઘણા દેશોમાં નવા ડિફેન્સ એટેચીની નિમણૂક કરી છે. ડિફેન્સ એટેચી (ડીએ) વિદેશી દૂતાવાસમાં નિમણૂક પામેલા લશ્કરી રાજદ્વારી અથવા લશ્કરી નિષ્ણાત હોય છે. આ નિમણૂક દેશની મિલિટરી ડિપ્લોમસીને મજબૂત કરવા અને બંને દેશો વચ્ચે રક્ષણાત્મક સહયોગ વધારવા કરાય છે. તાજેતરમાં ભારતે આફ્રિકા, એશિયા ને યુરોપના વ્યૂહાત્મક વિસ્તારો (જેવા કે ઇથોપિયા, મોઝામ્બિક, આઇવરી કોસ્ટ, ફિલિપાઇન્સ, આર્મેનિયા અને પોલેન્ડ)માં પ્રથમ વખત ડિફેન્સ એટેચી નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત ભારતે બ્રસેલ્સ (બેલ્જિયમ) ખાતે પણ ડિફેન્સ એટેચી નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter