ગુરુગ્રામઃ ઉત્તર પ્રદેશનું ગુરુગ્રામ હવે રિઅલ એસ્ટેટની કિંમતના મામલે મેનહટનની બરાબરી કરી રહ્યું છે એમ કહીએ તો ખોટું નથી. તાજેતરમાં અહીં દેશનાં સૌથી મોંઘા ઘરનો રૂ. 271 કરોડમાં સોદો થયો છે. રિઅલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાતોના મતે, સોદાની આ રકમ દર્શાવે છે કે ગુરુગ્રામ હવે પ્રોપર્ટીની કિંમતના મામલે અમેરિકાના મેનહટનની બરાબરી કરવા લાગ્યું છે.
ગુરુગ્રામમાં આ પેન્ટહાઉસનો સોદો દેશમાં અત્યાર સુધીનો સૌથી મોંઘામાં મોંઘો સિંગલ રહેણાંક સોદો બની ગયો છે. ઈમ્પિરિયલ ઓટોનાં ઉદ્યોગ સાહસિક માનવ સરદાનાએ ડીએલએફનાં અલ્ટ્રા લક્ઝરી પ્રોજેક્ટ ‘ધ ડહલિયાસ’માં આ પેન્ટહાઉસ ખરીદયું છે, જે સેક્ટર 54માં ગોલ્ફ કોર્સ રોડ પર આવેલું છે.
આ મકાનનો સુપર બિલ્ટઅપ એરિયા 17,200 ચોરસ ફુટ જ્યારે કાર્પેટ એરિયા 10,500 ચોરસ ફુટ છે. આમ તેનાં સુપર એરિયાનાં હિસાબે તેની દર ચોરસ ફુટદીઠ કિંમત રૂ. 1,57,558 થવા જાય છે. જ્યારે કાર્પેટ એરિયાનાં હિસાબે આ કિંમત પ્રત્યેક ચોરસ ફુટદીઠ રૂ. 2,58,095 થવા જાય છે. આ ભાવ ગુરુગ્રામની સૌથી મોંઘી પ્રોપર્ટીને મેનહટનના સૌથી ખાસ કોન્ડોમિનિયમની સમકક્ષ લાવે છે. જ્યાં પ્રિમિયમ મકાનનો ભાવ 2000થી 3000 ડોલર એટલે કે દર ચોરસ ફુટદીઠ 1.70 લાખથી રૂ. 2.60 લાખ થવા જાય છે. આ સોદાએ અગાઉનાં મધુસુદન કેલાએ ખરીદેલા દેશનાં મોંઘામાં મોંઘા મકાનની ખરીદીનો રેકોર્ડ તોડ્યો છે. તેમણે અગાઉ આ પ્રોજેક્ટમાં રૂ. 120.70 કરોડમાં એક મકાન ખરીદયું હતું.
‘ધ ડહલિયાસ’ એ દેશમાં મોંઘામાં મોંઘા ઘરનું સરનામું છે. જેને ઓક્ટોબર 2024માં ડીએલએફે ફેઝ-5માં 17 એકર જમીન પર લોન્ચ કરાયું છે. જેમાં 420 જેટલા મકાનો બનાવાયા છે. ડીએલએફનાં જણાવ્યા મુજબ અહીં આસપાસ ગ્રીનરી અને નાના તળાવ અને પાર્ક આવેલા છે. પ્રોજેક્ટમાં દરેક મકાનની કિંમત દર ચોરસ ફુટદીઠ રૂ. 1 લાખથી વધારે છે. ગુરુગ્રામમાં સુપર લક્ઝરી ઘરોની વધતી માંગ ત્યાંની રિઅલ એસ્ટેટ સેક્ટરને મજબૂત કરે છે.


