નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે નોટબંધી પછી એન્ટ્રી ડીલરો અને હવાલા ઓપરેટરો દ્વારા રૂ. ૧૫૫૦ કરોડ રૂપિયાનું કાળું નાણું ધોળું કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આવકવેરા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ મુજબ દેશની રાજધાની દિલ્હીમાં હવાલા ડીલરોના એક જૂથના નેતૃત્વમાં આ કૌભાંડ આચરવામાં આવતું હતું. સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર નોટબંધી પછી આ જૂથે ગેરકાયદેસર રીતે ૯૩૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
દિલ્હીમાં જ બીજા એક કેસમાં એક એન્ટ્રી ઓપરેટર તરીકે ૮૦ બેન્ક ખાતાઓનો ઉપયોગ કરીને ૨૦૦ કરોડ રૂપિયાના કાળા નાણાને ધોળા બનાવવાના પ્રયત્નો કરી રહ્યો હતો. નોઈડાની એક બેન્ક બ્રાન્ચમાં ૨૦૦ કરોડ રૂપિયાના કાળા નાણાંને ગેરકાયદેસર રીતે ધોળા બનાવવા માટે ૧૦૦ બેન્ક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આવકવેરા વિભાગ દ્વારા કોલકાતા, ગુડગાવ, ચરખી દાદરી અને ચિત્રદુર્ગા જેવા શહેરોમાં એન્ટ્રી ડીલરો અને હવાલા ઓપરેટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.