રૂ. ૨૦૦૦ની નોટનું પ્રિન્ટિંગ બંધ થયાની વકીઃ અહેવાલ

Thursday 21st December 2017 02:38 EST
 
 

નવી દિલ્હીઃ સરકારે ૮ નવેમ્બર, ૨૦૧૬ના મોટા મૂલ્યની રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ આરબીઆઈએ રૂ. ૨૦૦૦ અને રૂ. ૫૦૦ની નવી નોટ જારી કરી હતી. હવે આરબીઆઈ રૂ. ૨૦૦૦ની નોટ પાછી ખેંચી રહી હોય તેમજ તેનું પ્રિન્ટિંગ અટકાવી રહી હોવાની શક્યતા દર્શાવતો એક અહેવાલ એસબીઆઈએ તાજેતરમાં રજૂ કર્યો છે. આરબીઆઈએ લોકસભામાં રજૂ કરેલા વાર્ષિક રિપોર્ટના આધારે એસબીઆઈ ઈકોફલેશ રિપોર્ટમાં જણાવ્યું છે કે, માર્ચ, ૨૦૧૭માં બજારમાં રૂ. ૩૫૦૧ અબજ મૂલ્યની નાની ચલણી નોટો હતી. જે દર્શાવે છે કે, જ્યારે નાના મૂલ્યની ચલણી નોટને બજારમાંથી પાછી ખેંચ્યા બાદ ૮ ડિસેમ્બરના વધુ મૂલ્યની ચલણી નોટનું પ્રમાણ રૂ. ૧૩,૩૨૪ અબજનું હતું.

તદુપરાંત લોકસભામાં નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે આરબીઆઈએ આઠ ડિસેમ્બરના રોજની સ્થિતિ અનુસાર રૂ. ૫૦૦ની ૧૬,૯૫૭૦ લાખ નોટ છાપી હતી. જ્યારે ૨૦૦૦ની ૩,૬૫૪૦ લાખ નોટ છાપી હતી. આ નોટનું કુલ મૂલ્ય રૂ. ૧૫,૭૮૭ અબજ છે. આનો અર્થ એ થયો કે આરબીઆઇએ રૂ. ૨૪૬૩ અબજની ઊંચા મૂલ્યની નોટ્સનું પ્રિન્ટિંગ કર્યું હશે. પરંતુ માર્કેટમાં પૂરો જથ્થો મૂક્યો નહીં હોય. આ રિપોર્ટ એસબીઆઈના આર્થિક સલાહકાર વડા સૌમ્યા કાંતિ ઘોષ દ્વારા તૈયાર કરાયો છે. આરબીઆઈ મોટા મૂલ્યના ચલણની પ્રિન્ટિંગમાં ઘટાડો તેમજ નાના મૂલ્યની ચલણી નોટની પ્રિન્ટિંગમાં વધારો કરી શકે છે. આનો અર્થ એ થાય છે કે, કુલ ચલણમાં નાના મૂલ્યની નોટનું સરક્યુલેશન ૩૫ ટકાની સપાટીએ પહોંચશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter