રૂ. ૨૮૧ કરોડના કેશ કૌભાંડનો પર્દાફાશ

કમલ નાથના ૪ વિશ્વાસુઓને ત્યાં આવકવેરાના દરોડા

Wednesday 10th April 2019 06:14 EDT
 
 

ભોપાલઃ બિનહિસાબી નાણાંની તલાશી અર્થે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલ નાથના વિશ્વાસુ સાથીદારોને ત્યાં દરોડા પાડનાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)ને બગાસું ખાતાં પતાસું મળ્યું છે. ચાર રાજ્યો - મધ્ય પ્રદેશ, દિલ્હી, ગોવા અને પશ્ચિમ બંગાળમાં એક સાથે બાવન સ્થળોએ દરોડા પાડનાર સીબીડીટીને બે દિવસની તપાસમાં રૂ. ૨૫ કરોડની રોકડ તો મળી જ છે સાથોસાથ ૨૮૧ કરોડ રૂપિયાના કેશ કૌભાંડનું પગેરું મળ્યું છે. શનિવારે મધરાતથી શરૂ થયેલી દરોડાની કાર્યવાહી મંગળવારે પણ ચાલી રહી છે. સીબીડીટીના જણાવ્યા પ્રમાણે, રાજકારણ, વેપાર અને સરકારી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને ત્યાં થયેલી તપાસ દરમિયાન આ રોકડ કૌભાંડનો પર્દાફાશ થયો છે.

કેશબુકથી પગેરું મળ્યું

સીબીડીટીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે તેમ રોકડનો બહુ મોટો હિસ્સો હવાલાની મદદથી એક મોટા રાજકીય પક્ષને દિલ્હી ખાતે ટ્રાન્સફર થયો છે. આમાંથી ૨૦ કરોડ રૂપિયા એક રાજકીય પક્ષના વરિષ્ઠ પદાધિકારીના તુઘલક રોડ સ્થિત નિવાસસ્થાને ટ્રાન્સફર કરાયા હતા.
પક્ષના ઉચ્ચ પદાધિકારીના દિલ્હી સ્થિત નજીકના સગાંને ત્યાં થયેલી તપાસ દરમિયાન કેશબુક સહિતના સંખ્યાબંધ પુરાવા હાથ લાગ્યા છે. આમાં એક કેશબુકનો પણ સમાવેશ થાય છે. આર્થિક વ્યવહારોની નોંધ ધરાવતી આ કેશબુકમાં ૨૮૧ કરોડ રૂપિયાના બેનામી વ્યવહારોનો ઉલ્લેખ છે. જોકે સીબીડીટીએ રાજકીય પક્ષનું નામ જાહેર કર્યું નથી

૪ રાજ્ય, ૪ વિશ્વાસુ અને ૫૨ સ્થળ

આવકવેરા વિભાગનો કાફલો રવિવારે મધ્ય પ્રદેશમાં ભોપાલ અને ઇન્દોર, દિલ્હી, ગોવા અને કોલકતામાં એક સાથે બાવન સ્થળે ત્રાટક્યો હતો. તમામ સ્થળો મુખ્ય પ્રધાન કમલ નાથના વિશ્વાસુ ગણાતા સાથીદારોના હતા. ઇન્દોર અને ભોપાલમાં તો દિલ્હીથી આવેલા ૫૦૦ અધિકારી-કર્મચારીઓની ટીમે અર્ધલશ્કરી દળોની સુરક્ષામાં કાર્યવાહી હાથ ધરી હતી. ચૂંટણી વખતે હવાલા થકી રોકડ નાણાંની લેણદેણ કરાતી હોવાની માહિતી પછી આ દરોડા પાડવામાં આવ્યા હતા.
જેમાં કમલ નાથના પૂર્વ ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી (ઓએસડી) સેક્રેટરી પ્રવીણ કક્કડ, પૂર્વ સલાહકાર રાજેન્દ્ર મિગલાણી, કમલ નાથનો ભાણેજ રતુલ પુરી તેમજ પ્રવીણ કક્કડના નજીકના સાથી પ્રતીક જોશી અને સરકારી લોબિસ્ટ અશ્વિન શર્માના ઘર-ઓફિસે તપાસ કરાઈ હતી. ભોપાલના પ્લેટિનમ પ્લાઝામાં પ્રતીક જોશીના ઘરેથી રૂ. ૯ કરોડની રોકડ મળી હતી. બીજા દિવસે મિગલાણીના નિવાસસ્થાનેથી રૂ. ૧૬ કરોડ રોકડા મળ્યા હતા.
સીબીડીટીના જણાવ્યા મુજબ કેશબુક ઉપરાંત બનાવટી બિલની મદદથી થયેલી કરોડો રૂપિયાની હેરાફેરીના તેમજ ટેક્સ હેવન કહેવાતા દેશોમાં શરૂ કરાયેલી ૮૦ કંપનીના પુરાવા પણ મળ્યા છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે દરોડાની કામગીરી દરમિયાન બિનહિસાબી રોકડ, શરાબની ૨૫૨ બોટલ, હથિયાર, વાઘના ચામડાં પણ મળી આવ્યા હતા.
જબલપુરના હવાલાકાંડ અને દિલ્હીના એક ઉદ્યોગપતિને ત્યાં પડેલા દરોડા વખતે મળેલી જાણકારીના તાર ભોપાલના અશ્વિન શર્મા અને ઈંદોરના લલિત છજલાની સુધી પહોંચ્યા હતા. આ તપાસમાં જ કક્કડ અને મિગલાનીના નામ ખુલતાં આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે. અધિકારીઓનું કહેવું છે કે ૨૮૧ કરોડ રૂપિયાના બેહિસાબી વ્યવહારોના દસ્તાવેજો મળી આવ્યા છે અને તેની તપાસ થઈ રહી છે.

મિગલાનીના નિવાસેથી મળ્યા રૂ. ૧૬ કરોડ

દિલ્હીના ગ્રીન પાર્ક વિસ્તારમાં આવેલા રાજેન્દ્ર કુમાર મિગલાનીના નિવાસેથી રૂપિયા ૧૬ કરોડ રોકડા અને દસ્તાવેજો મળી આવ્યાના અહેવાલ છે. મિગલાની ૩૦ વર્ષથી કમલ નાથ સાથે સંકળાયેલા છે. તેમના ઓએસડી રહી ચૂક્યા છે. થોડા સમય અગાઉ સુધી તેઓ કમલ નાથના સલાહકારપદે સેવા આપતા હતા. જોકે કમલ નાથના પુત્ર નકુલ નાથે છિંદવાડા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કરતાં તેમણે સલાહકારપદેથી રાજીનામું આપ્યું હતું અને હાલમાં તેઓ નકુલ નાથના ચૂંટણી મેનેજરની ભૂમિકા નિભાવી રહ્યા છે.

કક્કડના પત્ની અધિકારી બેન્ક પહોંચ્યા

આવકવેરા અધિકારીઓની ટીમ સોમવારે કક્કડના પત્ની સાધનાને લઇને ઈન્દોરમાં આવેલી આઈડીબીઆઇ બેન્કે પહોંચી હતી. અધિકારીઓની બીજી ટીમ કક્કડના પુત્ર સલિલને લઇને બીસીએમ હાઈટ્સ ખાતે આવેલી થર્ડઆઇ કાર્યાલયે તપાસ કરવા પહોંચી હતી. કહેવાય છે કે કક્કડની મોટા ભાગની મિલકતો પુત્ર સલિલને નામે છે.
સલિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌથી વધુ આવકવેરો ભરવા બદલ તેને ગોલ્ડ સર્ટિફિકેટ મળી ચૂક્યું છે. ઈંદોરમાં વિજયનગર ખાતે આવેલા કક્કડના નિવાસસ્થાને શનિવારે મધરાતથી કાર્યવાહી ચાલે છે. આવકવેરા ટીમે રાતભર કક્કડની પૂછપરછ કરી હતી. રવિવારે કક્કડના ઈંદોર ખાતેના નિવાસેથી રૂ. ૩૦ લાખનું ઝવેરાત અને બે લાખની રોકડ જપ્ત કરાયા હતા.
મધ્ય પ્રદેશના ગવર્નર આનંદીબહેન પટેલે ચીફ સેક્રેટરી, રાજ્યના પોલીસ વડા અને ગૃહ સચિવને ઇમેલ મોકલીને દરોડા સંબંધિત કાર્યવાહી અંગે તમામ જાણકારી માંગી છે.

કમલ નાથની વિશ્વાસુ ત્રિપુટી

• પ્રવીણ કક્કડ (પૂર્વ ઓએસડી)
ઇન્દોરના વિજયનગર સ્થિત કક્કડના ઘર, બીસીએમ હાઇટ્સ સ્થિત ઓફિસ, તેમના દ્વારા સંચાલિત એક મેરેજ હોલ અને એક ફ્લેટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ભોપાલની નાદિર કોલોની સ્થિત તેમના ઘર અને અમુક અન્ય સ્થળોએ પણ તપાસ કરાઈ હતી. મધ્ય પ્રદેશ પોલીસમાં ઇન્સ્પેક્ટરપદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ચૂકેલા કક્કડ ડિસેમ્બર ૨૦૧૮માં કમલ નાથ મુખ્ય પ્રધાન બન્યા બાદ તેમના ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી (ઓએસડી) બન્યા હતા. પ્રવીણ કક્કડનો પરિવાર હોસ્પિટાલિટી સહિત અનેક બિઝનેસ સાથે સંકળાયેલો છે.
• રાજેન્દ્ર મિગલાણી (પૂર્વ સલાહકાર)
મિગલાણીના ભોપાલ અને દિલ્હીના ગ્રીન પાર્ક સ્થિત ઘરો પર પણ આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. છિંદવાડા લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા કમલ નાથના દીકરા નકુલ નાથનું ચૂંટણી મેનેજમેન્ટ કરવા માટે તાજેતરમાં તેમણે સલાહકાર પદેથી રાજીનામું આપ્યું હતું. મિગલાણીના દિલ્હીસ્થિત નિવાસસ્થાનેથી ૧૬ કરોડ રૂપિયા રોકડા ઝડપાયા છે.
• રતુલ પુરી (ભાણેજ)
રતુલ પુરી અને તેમની કંપનીઓ અમિરા ગ્રૂપ અને મોઝર બેયરના અમુક અધિકારીઓના નિવાસસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રતુલ પુરીની ગયા અઠવાડિયે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ૩૬૦૦ કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટ કૌભાંડ મામલે પણ પૂછપરછ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter