રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ થવા મામલે સંસદ બની સમરાંગણ

Thursday 17th November 2016 08:55 EST
 
 

નવી દિલ્હીઃ સંસદમાં ૧૬મી નવેમ્બરે શિયાળુ સત્રનો હોબાળા સાથે પ્રારંભ થયો હતો. રાજનીતિજ્ઞોએ લગાવેલા અંદાજ મુજબ જ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો રદ થવાના મુદ્દે સંસદભવન સમરાંગણ બન્યું હતું. સરકારના આ નિર્ણય સામે એક થયેલા વિપક્ષે સરકારને છેક સડકથી સંસદ સુધી ઘેરી હતી. સંસદનાં બંને ગૃહોમાં કાર્યવાહી શરૂ થાય તે પહેલાં સરકારે વિપક્ષને દેશહિતમાં ચર્ચા કરવાની અપીલો કરી હતી, પરંતુ કોંગ્રેસનાં નેતૃત્વમાં વિરોધપક્ષોએ નોટબંધીને કારણે આમ આદમીને પડી રહેલી મુશ્કેલીઓના મુદ્દે હોબાળો અને આક્ષેપબાજી કરી હતી.

૧૬મી નવેમ્બરે સવારે મૃત્યુ પામેલા સાંસદોને શ્રદ્ધાંજલિ આપીને કામગીરી મોકૂફ રખાયા પછી રાજ્યસભામાં કામગીરીના પ્રારંભ સાથે જ નોટબંધીના મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો હતો. કંકાસ બાદ સરકાર રાજ્યસભામાં નોટબંધી મામલે ચર્ચા માટે તૈયાર થઈ હતી. ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ કેન્દ્ર સરકાર પર ઉગ્ર પ્રહાર કર્યા હતા. તેમણે સરકાર પર આરોપ મૂક્યો હતો કે, સરકારના ૫૦૦ અને ૧,૦૦૦ની નોટો રદ કરવાના નિર્ણયથી દુનિયામાં સંદેશો પહોંચ્યો છે કે, ભારતનું અર્થતંત્ર અપરાધી અને કાળાબજારિયા ચલાવે છે. આ નાદિરશાહી સરકાર છે, ડોકટરીનો અભ્યાસ વિના જ સર્જન બની ગઈ છે. દરેક મામલામાં સર્જિકલ સ્ટ્રાઇક કરી રહી છે.

શર્માએ જણાવ્યું હતું કે, ગાઝીપુરમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, મારા જીવ પર જોખમ છે, મેં ગૃહત્યાગ કર્યો છે. ગૃહ પ્રધાન જણાવે કે એવું કોણ છે કે મોદીની હત્યા કરવા માગે છે? જો મોદી જાતે કહે છે કે મારી હત્યા થઈ શકે છે તો તેમણે જણાવવું પડશે કે તેમને મારવા કોણ ઇચ્છે છે. મોદી ફક્ત ભાજપના નહીં સમગ્ર દેશના વડા પ્રધાન છે. અમે પણ ચિંતામાં છીએ. ગાઝીપુરમાં મોદીએ તમામ પૂર્વ વડા પ્રધાનોને અપમાનિત કર્યા છે. શર્માએ જણાવ્યું હતું કે, આ એવી સરકાર છે જેમાં મોદી એમ કહેશે કે ઊંટને બિલાડી લઈ ગઈ તો બધાએ કહેવું પડશે કે ઊંટને બિલાડી લઈ ગઈ. લોકો પોતાનાં નાણા માટે જ ભીખ માગી રહ્યા છે, આ તે કેવું કાળું ધન બહાર લાવવામાં આવી રહ્યું છે?

જવાબમાં સરકાર તરફથી કેન્દ્રીય ઊર્જા પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, દેશમાં પહેલી વાર ઇમાનદારનું સન્માન અને બેઇમાનને નુકસાન થયું છે. જનતાની આશા પર મોદી ખરા ઊતર્યા છે. દેશની જનતા થોડા દિવસ માટે મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર છે. રાજ્યસભાની ચર્ચામાં ભાગ લેતાં વિપક્ષના નેતાઓ રામગોપાલ યાદવ, માયાવતી, શરદ યાદવ, સીતારામ યેચુરી, પ્રો. નવનીતકૃષ્ણને સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. વિપક્ષના સાંસદોએ નોટબંધીના મામલાની તપાસ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા કરાવવા માગ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter