નવી દિલ્હીઃ રૂ. ૭૪૦ કરોડની છેતરપિંડીના કેસમાં દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ ૧૦મી ઓક્ટોબરે ફોર્ટિસ હેલ્થકેર અને રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દર મોહનસિંહની ધરપકડ કરી હતી. તેમની સાથે રેલિગેર કંપનીના પૂર્વ સીએમડી સુનીલ ગોધવાની, કવિ અરોરા અને અનિલ સક્સેનાની પણ ધરપકડ કરાઈ હતી. શિવિન્દરસિંહના મોટાભાઈ માલવિન્દરસિંહને ભાગેડુ જાહેર કરી તેની સામે લૂકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ શિવિન્દર, તેમના ભાઈ માલવિન્દર અને અન્ય લોકોની સામે રેલિગેર ફિનવેસ્ટની એક ફરિયાદના આધારે આ કાર્યવાહી કરી છે. ડિસેમ્બર ૨૦૧૮માં રેલિગેર એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટા કંપની રેલિગેર ફિનવેસ્ટ લિમિટેડે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખામાં ફોજદારી ફરિયાદ નોંધાવી શિવિન્દરસિંહ, માલવિન્દરસિંહ અને અન્ય સામે રૂ. ૭૪૦ કરોડની છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો.

