રૂ. ૮૦ હજાર કરોડની દેવાદાર એર ઈન્ડિયા ફોર સેલ

Monday 27th January 2020 07:46 EST
 

નવી દિલ્હીઃ દેવામાં ડૂબેલી સરકારી એરલાઈન્સ એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચવાની જાહેરાત સરકારે ૨૭મી જાન્યુઆરીએ કરી હતી. આ અંગે સરકારે જારી કરેલા નોટિફિકેશન અનુસાર ૧૭ માર્ચ સુધીમાં આ અંગે બોલી લગાવી શકાશે. જારી કરેલા બિડ ડોક્યુમેન્ટ અનુસાર એર ઇન્ડિયા ઉપરાંત લો કોસ્ટ એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસમાં ૧૦૦ ટકા હિસ્સો અને સંયુક્ત સાહસ એઆઇએસએટીએસમાં પણ ૫૦ ટકા હિસ્સો વેચાશે.

જાહેરાત અનુસાર એરલાઇન્સનું સંપૂર્ણ સંચાલન પણ સફળ બિડરને સુપ્રત કરી દેવાશે. છેલ્લા બે વર્ષમાં સરકારે બીજી વખત એર ઇન્ડિયા વેચવાનો પ્રયાસ કર્યો છે.

એઆઇએસએટીએસ એર ઇન્ડિયા અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. તે ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ પૂરી પાડે છે. એર ઇન્ડિયા એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ, એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસીસ, એરલાઇન એલાઇડ સર્વિસીસ અને હોટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં પણ હિતો ધરાવે છે. આ ચારેય કંપનીઓને મર્જ કરી એક નવી કંપની એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડ (એઆઇએએચએલ) બનાવવામાં આવશે.

અગાઉ સરકારે ૨૦૧૮માં એર ઇન્ડિયાનો ૭૬ ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી પણ જો કે તે સમયે કોઇ પણ કંપની તેને ખરીદવા તૈયાર થઈ ન હતી. જેના પગલે આ વખતે સરકારે એર ઇન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં એર ઇન્ડિયાની ચોખ્ખી ખોટ રૂ. ૮૫૫૬ કરોડ હતી. હાલમાં સરકારી એરલાઇન્સ પર કુલ રૂ. ૮૦,૦૦૦ કરોડનું દેવું છે.

એર ઇન્ડિયાની તમામ ફલાઇટ બંધ કરવાની અફવાઓને ફગાવી દેતા નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરીએ ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ જણાવ્યું હતું કે, એર ઇન્ડિયાને દરરોજ રૂ. ૨૦થી ૨૬ કરોડનું નુકસાન થઇ રહ્યું હોવા છતાં જ્યાં સુધી તેની ખાનગીકરણની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ફલાઇટ બંધ કરાશે નહીં.

વેચવાનો નિર્ણય દેશવિરોધીઃ સુબ્રમણ્યમ સ્વામી

એર ઈન્ડિયાને વેચવાની તૈયારી ચાલે છે ત્યારે ૨૭મીએ રાજ્યસભા સાંસદ અને ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું છે કે તે આ વેચાણને સુપ્રીમમાં પડકારશે. તેમણે એર ઈન્ડિયાને વેચવાના નિર્ણયને દેશવિરોધી ગણાવ્યો છે. એક પ્રાઈવેટ ચેનલ સાથેની વાતચીતમાં સ્વામીએ જણાવ્યું છે કે તે સરકારના આ નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં જશે. આ સોદો સંપૂર્ણપણે દેશવિરોધી છે અને મને ના છૂટકે કોર્ટમાં જવું પડશે. આપણે આપણા પરિવારની સામૂહિક સંપત્તિને આવી રીતે વેચી ના શકીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter