સિંઘાનિયા પિતા-પુત્ર વચ્ચે મિલકત માટે વિખવાદ

Friday 11th August 2017 08:59 EDT
 
 

મુંબઈઃ ભારતના સૌથી ધનવાન બિઝનેસ પરિવારોમાં જેનું નામ લેવાય છે તેવા ગર્ભશ્રીમંત સિંઘાનિયા પરિવારમાં ગંભીર વિવાદ ઊભો થયો છે. આ વિવાદ પિતા વિજયપત સિંઘાનિયા અને તેમના પુત્ર ગૌતમ સિંઘાનિયા વચ્ચે થયો છે. રેમન્ડ લિમિટેડના માલિક વિજયપત સિંઘાનિયાએ આક્ષેપ કર્યો છે કે તેમનો દીકરો એક-એક પૈસા માટે ટટળાવી રહ્યો છે અને તેઓ રઝળી પડ્યા છે. તેમણે પુત્ર પર એવો પણ આરોપ મૂક્યો હતો કે ગૌતમ સિંઘાનિયા રેમન્ડ લિમિટેડ કંપનીનું સંચાલન એ રીતે કરી રહ્યો છે જાણે તે વ્યક્તિગત માલિકીની કંપની હોય.
એક સમયે અબજો રૂપિયાના આસામી અને ભારતની મજબૂત બ્રાન્ડ્સ રેમન્ડ લિમિટેડના માલિક રહેલા વિજયપત સિંઘાનિયાએ રેમન્ડનું સંચાલન તેમના દીકરા ગૌતમને સોંપ્યા પછી તેમની આ દયનીય સ્થિતિ ઊભી થઈ છે. વિજયપત સિંઘાનિયા હાલ મુંબઈના ગ્રાન્ડ પારાડી સોસાયટીમાં ભાડાંના મકાનમાં રહે છે. વિજયપત સિંઘાનિયાએ તાજેતરમાં બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરીને માલાબાર હિલ્સમાં પોતાના ઘરનો કબજો માગ્યો હોવાનું જાણવા મળ્યું છે.
૭૮ વર્ષીય વિજયપત સિંઘાનિયાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સિંઘાનિયાએ પોતાની બધી જ સંપત્તિ દીકરાના નામે કરી દીધી, પણ હવે દીકરો તેમનું ધ્યાન નથી રાખતો. વકીલે જણાવ્યું કે સિંઘાનિયાએ કંપનીમાં પોતાના બધા શેર પણ દીકરા ગૌતમને આપી દીધા છે. આ શેર્સની કિંમત ૧૦૦૦ કરોડ રૂપિયા જેવી હતી, પણ ગૌતમે હવે તેમને નિરાધાર છોડી દીધા છે. ગૌતમે તેના પિતાને આપેલી કાર અને ડ્રાઈવર પણ પાછા લઈ લીધા છે.
સિંઘાનિયાએ જે ડુપ્લેક્સ ઇમારતનો કબજો મેળવવા માટે હાઈ કોર્ટમાં અરજી કરી છે તે ૧૯૬૦માં બન્યું છે અને તે સમયે તે ૧૪ માળનું એ બિલ્ડિંગ હતું. આ પછી બિલ્ડિંગના ચાર ડુપ્લેક્સ રેમન્ડની સબસિડરી પશ્મિના હોલ્ડિંગને આપી દેવામાં આવ્યા હતા. ૨૦૦૭માં કંપનીએ બિલ્ડિંગના પુનઃ નિર્માણનો નિર્ણય કર્યો. તે મુજબ વિજયપત સિંઘાનિયા, ગૌતમ, વીણા દેવી (સિંઘાનિયાના ભાઈ અજયપત સિંઘાનિયાના વિધવા), અજયપત-વીણાદેવીના પુત્રો અનંત અને અક્ષયપત સિંઘાનિયાને એક-એક ડુપ્લેક્સ મળવાનો હતો. આ માટે તેમણે ૯ હજાર રૂપિયા પ્રતિ ચોરસ ફૂટની કિંમત ચૂકવવાની હતી.
એપાર્ટમેન્ટમાં પોતાનો ભાગ મેળવવા માટે વીણાદેવી અને અનંતે પહેલેથી એક સંયુક્ત અરજી દાખલ કરી હતી. જ્યારે અક્ષયપતે બોમ્બે હાઇકોર્ટમાં એક અલગ અરજી કરી છે. વિજયપતના વકીલ દિનયર મેડને કોર્ટને કહ્યું ૭૮ વર્ષીય સિંઘાનિયાએ તેમની તમામ સંપત્તિ દીકરાના નામે કરી દીધી, પણ હવે દીકરો તેને એક રૂપિયો પણ આપવા માગતો નથી. આમ, એક સમયે અબજોપતિ રહી ચૂકેલા વિજયપત સિંઘાનિયા પારિવારિક ઝઘડાને કારણે આજે મુશ્કેલ આર્થિક પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter