લતાજીને કોરોના

સ્વરસામ્રાજ્ઞીને બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા

Wednesday 12th January 2022 04:14 EST
 
 

મુંબઇઃ સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે અને તેમને સારવાર માટે શહેરન બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરાયા છે. મંગળવારે આ સમાચાર ફેલાતાં જ તેમના જલ્દી સ્વસ્થ થઇ જવાની અને દીર્ઘાયુની કામના સાથે ટ્વિટર પર #GetWellSoon ટ્રેન્ડ થઇ રહ્યું છે. તેમને ન્યુમોનિયા પણ થયું છે.
જોકે તેમનાં ભત્રીજી રચનાએ સ્પષ્ટતા કરી છે કે, ‘તેઓ (લતા મંગેશકર) સ્વસ્થ છે. તેમનામાં કોરોના વાઇરસના સંક્રમણનાં હળવાં લક્ષણો જોવા મળ્યાં હતાં, અને હાલમાં તેમને હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમની ઉંમરને ધ્યાને રાખીને તકેદારીના ભાગરૂપે જ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં છે. અમારી અંગતતાનું માન રાખો.’
૯૨ વર્ષનાં લતા મંગેશકરની સારવાર કરી રહેલા ડોક્ટર પ્રતીક સમદાનીએ જણાવ્યું કે, તેમને ન્યુમોનિયા પણ થયો છે. પોતાના સુંદર અવાજનો જાદુ આખી દુનિયામાં ફેલાવનાર ભારતરત્ન લતા મંગેશકરના ચાહકોની કોઈ કમી નથી. મંગળવારે સવારે સોશિયલ મીડિયા પર સમાચાર આવ્યા કે, લતા મંગેશકર કોરોના પોઝિટિવ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે ત્યારથી તેમના ફેન્સ ટ્વિટર પર તેમના સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.
હાલમાં લતા મંગેશકરમાં બીમારીના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. પરિવારજનોએ માહિતી આપી છે કે, લતા મંગેશકરની હાલત સારી છે અને વૃદ્ધાવસ્થાના કારણે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

સ્વરસામ્રાજ્ઞીની સારવાર કરી રહેલા ડોક્ટર પ્રતીક સમદાનીએ જણાવ્યું કે, તેમને ન્યુમોનિયા પણ થયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, લતાજીને હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તબીબો તેમના આરોગ્ય પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ડોક્ટર સમદાનીનું કહેવું છે કે, તેમની હાલત સ્થિર છે. લતા મંગેશકર ૯૨ વર્ષના છે. ૨૮ સપ્ટેમ્બર ૧૯૨૯ના રોજ ઈન્દોરમાં જન્મેલા લતાજીના પિતા દીનાનાથ મંગેશકર પ્રખ્યાત સંગીતકાર હતા. લતાના સદાબહાર ગીતો આજે પણ એટલા જ સાંભળવામાં આવે છે જેટલા પહેલા સાંભળવામાં આવતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter