લતાદીદી અને નરેન્દ્ર મોદી વચ્ચે લાગણીસભર સંવાદ

Wednesday 29th September 2021 05:23 EDT
 
 

સ્વરસામ્રાજ્ઞી લતાજીનો ૨૮મી સપ્ટેમ્બરે ૯૨મો જન્મદિન હતો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે આ દિવસે લતાદીદીને ફોન કરીને જન્મદિનની શુભેચ્છા આપતા હોય છે. જોકે આ વખતે તેમણે લતાદીદીને જન્મદિન પૂર્વે આગોતરો જ ફોન કરીને શુભેચ્છા આપી હતી. એક સ્વર-સંગીતના સામ્રાજ્ઞી તો બીજા રાજકારણના દિગ્ગજ... બે મહાનભાવો વચ્ચેનો આ ભાવૂક સંવાદ માણવા જેવો છે. વાંચો, આ સંવાદના અંશો...

મોદીજીઃ લતાદીદી, હું આપને જન્મદિન પૂર્વે શુભેચ્છા પાઠવું છું. આપનું સ્વાસ્થ્ય સારું રહે અને આપના આશીર્વાદ અમારા પર વરસતા રહે તેવી પ્રાર્થના કરું છું. આપને પ્રણામ કરવા અમેરિકા જતા પૂર્વે ફોન કર્યો છે.
લતાજીઃ આપના આશીર્વાદ અમારા પર રહે તેવું અમે ઇચ્છીએ છીએ.
મોદીજી: અરેરે... અમે આપના આશીર્વાદ માંગીએ છીએ. આપ મોટા છો.
લતાજી: ઉંમરમાં તો ઘણાં લોકો મોટા હોઇ શકે છે, કર્મથી મોટા હોય તેના આશીર્વાદ લેવા જોઇએ.
મોદીજી: આપ ઉંમરમાં અને કર્મથી બંને રીતે મોટા છો. તમે સાધના - તપસ્યા કરીને સિદ્ધિ મેળવી છે.
લતાજી: આ સિદ્ધિ મારા માતા-પિતા અને શ્રોતાઓના આશીર્વાદ છે.
મોદીજી: તમારી નમ્રતા અમારા માટે પ્રેરક છે. જીવનમાં ખૂબ મેળવ્યા બાદ પણ આપ નમ્રતા અને સંસ્કારને પ્રાધાન્ય આપો છો. મને ખુશી છે કે, આપ ગર્વથી કહો છો કે આપના માતા ગુજરાતી છે. હું જયારે આપની પાસે આવ્યો ત્યારે આપે મને ગુજરાતી વાનગી જમાડી છે.
લત્તાજીઃ તમે શું છો તેની તમને ખુદને ખબર નથી. તમારી ઉર્જાથી ભારતનું ચિત્ર બદલાઇ રહ્યું છે, આ જોઇને મને ખુશી થાય છે.
મોદીજીઃ આપે મને પ્રેરણા આપી છે. આપના તરફથી ભેટ-સોગાદ પણ મળતી રહે છે. આપની સાથેનો પારિવારિક સંબંધ મને હંમેશા આનંદ આપે છે.
લતાજીઃ હું તમને તકલીફ આપવા માંગતી નથી, તમે ઘણાં કામમાં રહો છો. સમય મળ્યે તમે તમારા માતુશ્રીને પણ પ્રણામ કરવા જાવ છો, મેં પણ તમારા માતુશ્રીના આશીર્વાદ લીધા છે.
મોદીજીઃ મારા માતાને આ બધું યાદ છે, તેમણે મને જણાવ્યું હતું.
લતાજીઃ ટેલિફોનિક વાતમાં મને આશીર્વાદ આપ્યા હતા મને સારું લાગ્યું.
મોદીજીઃ મારા માતા પણ આપની સાથે વાત કરીને પ્રસન્ન થયા હતા. આપને ફરીથી જન્મદિન પૂર્વે શુભેચ્છા પાઠવું છું.
 હું મુંબઈ આવ્યો ત્યારે આપને મળવું હતું ફરી જલ્દીથી આપને મળવા આવીશ અને ગુજરાતી વાનગી ખાઈશ.
લતાજીઃ આ અમારું સૌભાગ્ય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter