લદ્દાખમાં ઘૂસેલા ચીની સૈનિકોને ભારતીય જાંબાઝોએ ખદેડી મૂક્યા

Friday 13th September 2019 08:39 EDT
 

નવી દિલ્હીઃ તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયેલા લદ્દાખમાં ૧૧મીએ ચીનની સેનાના સૈનિકો ઘૂસી આવતાં બંને દેશ વચ્ચે સરહદી તણાવ સર્જાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર પરોઢિયે લદ્દાખમાં આવેલા ૧૩૪ કિલોમીટર લાંબા પેંગોંગ સરોવરના ઉત્તર કિનારા નજીક ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો હતો. તિબેટથી લદ્દાખ સુધી વિસ્તરેલા પેંગાંગ સરોવરનો બે તૃતીયાંશ હિસ્સો ચીનના તાબામાં છે.

૧૩મીએ વહેલી સવારે ભારતીય સૈનિકો આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં ત્યારે પીપલ્સ લિબરેશન આર્મીના કેટલાક સૈનિકો આ વિસ્તારમાં જોવા મળ્યા હોવાના અહેવાલ છે. ભારતીય સૈનિકોએ આ વિસ્તારમાં ચીની સૈનિકોની હાજરી સામે ઉગ્ર વિરોધ નોંધાવી તેમને પાછા ચાલ્યા જવાની ચેતવણી આપી હતી, પરંતુ ચીની સૈનિકોએ પાછા ફરવાનો ઇનકાર કરતાં બંને જૂથો વચ્ચે ધક્કામુક્કીના દૃશ્યો સર્જાયાં હતાં. બંને દેશના સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો હોવાની જાણ થતાં ભારત અને ચીનની સેનાઓએ વધારાના સૈનિકો મોકલી આપ્યા હતા. સાંજ સુધી આ સંઘર્ષ જારી રહ્યો હતો.

ઘટના સંદર્ભે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે એલઓસી ખાતે સર્જાતા તણાવને હળવો કરવા માટે સ્થાપિત દ્વિપક્ષીય વ્યવસ્થા અનુસાર બ્રિગેડિયર રેન્કના અધિકારીઓનાં નેતૃત્વમાં પ્રતિનિધિ સ્તરની મંત્રણા કરવાની રજૂઆત કરવામાં આવી હતી અને બંને સેના તે માટે સંમત થઈ છે. લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ અંગેની અલગ અલગ ધારણાઓનાં કારણે આ વિસ્તારમાં બંને દેશની સેનાના જવાનો વચ્ચે અનેકવાર સંઘર્ષ સર્જાતો રહે છે. આ પ્રકારના વિવાદોનો ઉકેલ બોર્ડર પર્સોનલ મિટિંગ અને ફ્લેગ મિટિંગ દ્વારા લાવવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter