નવી દિલ્હી: લદ્દાખમાં જગતનો સૌથી ઊંચો મોટરેબલ માર્ગ આવેલો છે. જે ખાર્દુંગલા નામના પહાડી ઘાટમાંથી પસાર થતો હોવાથી ખાર્દુંગલા પાસ તરીકે જાણીતો છે, અહીં તેની ઊંચાઈ ૧૮ હજાર ફીટ કરતાં વધારે છે.
સમગ્ર વિશ્વમાં મોટર કે બાઈક ચલાવી શકાય તેવો ખાર્દુંગલાથી ઊંચો કોઈ રસ્તો નથી. ભારતના સરહદી રસ્તાઓનું કામ સંભાળતા લશ્કરી યુનિટ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને (બીઆરઓ) આ રસ્તાને ડબલ લેન કરવાની કામગીરી આરંભી દીધી છે. લેહથી શરૂ થઈને આ રસ્તો નુબ્રા ખીણ પ્રદેશ સુધી પહોંચે છે. આગળ જતાં એ જ રસ્તો સિઆચેન તરફ પણ વળાંક લે છે.
નુબ્રા ખીણ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય હોવાથી દર વર્ષે પ્રવાસીઓ જગતના સૌથી ઊંચે રસ્તે પહોંચ્યાનો આનંદ માણી આગળ વધતાં હોય છે. આ રસ્તાનો લશ્કરી પરિવહન માટે પણ ઉપયોગ થાય છે. આગળ વધીને ચીન સાથે સંકળાયેલી લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ સુધી પહોંચતો આ રસ્તો હવે ડબલ લેન બનાવવાની કામગીરી હાથ ધરાઇ છે, જેથી લશ્કરી સરંજામની હેરાફેરી સરળતાથી થઈ શકે.